પુરીમાં ફૂલોથી સજાવેલ પાલખી સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ

પુરી: આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ઓરિસામાં જગન્નાથ પુરી અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાઅે નીકળી ગઇ છે. ભગવાન જગન્નાથ ફૂલોથી સજાવેલ પાલખી સાથે નગર ભ્રમણ માટે અને પોતાના ભકતોને સામે ચાલીને દર્શન આપવા માટે નીકળી ચૂકયા છે. જગન્નાથ પુરીમાં રથયાત્રાના આરંભ પહેલાં ૧૦૮ દીવાથી ભગવાનની આરતી કરવામાં આવી હતી.

રથયાત્રાને લઇને મંદિર સંકુલ અને સમગ્ર શહેરમાં સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજેે સવારે જ્યારે ૮-૦૦ વાગ્યે પુરીમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા ત્યારે ૧પ લાખથી વધુ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. જગન્નાથ પુરીની રથયાત્રા અષાઢ મહિનામાં દ્વિતીય શુકલા પક્ષથી શરૂ થાય છે. ર૦૧૮ની રથયાત્રા ૧૪ જુલાઇથી શરૂ થઇને ર૬ જુલાઇના રોજ પૂર્ણ થશે.

પુરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ પીળા અને લાલ કપડાંનો બનેલો હોય છે. જેમાં ૧૬ પૈડાં લાગેલાં હોય છે. જયારે તેમના ભાઇ બલભદ્રનો રથ લીલા અને લાલ રંગનો હોય છે. જેમાં ૧૪ પૈડાં લાગેલાં હોય છે. સુુભદ્રાજીનો રથ કાળા અને લાલ રંગનો હોય છે. જેમાં ૧ર પૈૈડાં લાગેલાં હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દર ૧૯ વર્ષે જગન્નાથ પુરીના મંદિરમાં મૂર્તિઓને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવે છે. છેલ્લે આ ધાર્મિક ક્રિયા ર૦૧પમાં કરવામાં આવી હતી. રથયાત્રામાં રથ ખેંચવાનો કાર્યક્રમ બપોર બાદ જ થાય છે. રથયાત્રા શરૂ થતાં પહેલાં શ્રદ્ધાળુઓ બે ત્રણ કલાક અગાઉ મંદિર સંકુલ પાસે પહોંચી જાય છે અને ત્યાર બાદ તમામ રોડ બ્લોક કરી દેવામાં આવે છે.

પોલીસની ભારે સંખ્યાને કારણે માત્ર એમ્બ્યુલન્સ જ રથયાત્રાના રૂટ પરથી પસાર થઇ શકે છે. ભગવાન જગન્નાથના મુખ્ય મંદિરની આસપાસ ૩૦ નાનાં મંંદિર છે જેના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે. જોકે સૌથી વધુ ભીડ ત્રણ મુખ્ય મંદિરમાં જ જોવા મળે છે.

રથયાત્રામાં ભાગ લેવા દેશમાંથી હજારો લોકો આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે શુભેચ્છાઅો પાઠવી હતી. રામનાથ કોવિંદે જણાવ્યુું હતું કે રથયાત્રા ઉત્સવ શરૂ થવા પર દેશવસીઓને અભિનંદન અને શુભકામનાઓ. ભગવાન જગન્નાથના આશીર્વાદથી દરેકના જીવન શાંતિ, ખુશી અને સમૃદ્ધિ સભર બને. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને જગન્નાથ યાત્રાની શુભકામનાઓ વ્યકત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી દેશ નવી ઊંચાઇઓ પર પહોંચશે.

You might also like