પુરી સહિત દેશમાં રથયાત્રાનો હર્ષોલ્લાસઃ મોદીની શુભેચ્છા

નવી દિલ્હી: આજે અષાઢી બીજના દિવસે દેશભરમાં રથયાત્રા અંગે ભારે હર્ષોલ્લાસ નજરે પડી રહ્યો છે. દેશમાં ઠેર ઠેર યોજાતી રથયાત્રામાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ-ઉમંગ સાથે ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને ઓડિશાના જગન્નાથપુરીમાં આજે ભારે રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં, બલકે સમગ્ર વિશ્વનો એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ છે. રથયાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ જગન્નાથપુરી આવે છે.

આજે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની કૃપા આપણા તમામ પર બની રહે. ભગવાન જગન્નાથના આશીર્વાદથી ગામડાંઓ અને ખેડૂતોનો વિકાસ થાય અને દેશ નવી ઊંચાઈએ પહોંચે.

પુરી સ્થિત જગન્નાથ મંદિર ભારતનાં ચાર પવિત્ર ધામોમાંનું એક છે. પુરીનું મંદિર ૮૦૦ વર્ષથી વધુ જૂનું છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ સ્વરૂપે બિરાજે છે. સાથે જ તેમના મોટા ભાઈ બલરામ અને તેમનાં બહેન દેવી સુભદ્રાની પણ પૂજા કરવામાં આવે છે.

પુરીની રથયાત્રા માટે બલરામ, શ્રીકૃષ્ણ અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ અલગ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. પુરીની રથયાત્રામાં સૌથી આગળ બલરામજીનો રથ, ત્યાર બાદ દેવી સુભદ્રાનો રથ અને સૌથી છેલ્લે ભગવાન શ્રીકૃષ્ણનો રથ હોય છે. રથને તેના રંગ અને ઊંચાઈથી ઓળખવામાં આવે છે. બલરામજીનો રથ તાલધ્વજ તરીકે ઓળખાય છે, જેનો રંગ લાલ અને લીલો છે જ્યારે ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ કે ગરુડધ્વજ તરીકે ઓળખાય છે અને તેનો રંગ લાલ અને પીળો હોય છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ ૪૫.૬ ફૂટ ઊંચો, બલરામજીનો તાલધ્વજ રથ ૪૫ ફૂટ ઊંચો અને દેવી સુભદ્રાનો દલંરથ ૪૪.૬ ફૂટ હોય છે.

You might also like