કપડાં-દાગીના કઢાવ્યા બાદ પાકે. જાધવની પત્નીના જૂતા પણ કઢાવ્યાં, કહ્યું કંઈ શંકાસ્પદ છે જૂતામાં

કુલભૂષણ જાધવનાં માતા અને પત્નીને પરેશાન કર્યાં હતાં એવા ભારતના આક્ષેપને પાકિસ્તાને ફગાવી દીધો છે. પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે કુલભૂષણના પત્નીનાં જૂૂતાં સુરક્ષાનાં કારણોસર જપ્ત કરવામાં આવ્યાં હતાં, કારણ કે તેમાં કંઇ શકમંદ હોવાનો અંદેશો હતો.

વિદેશ કાર્યાલયે એક નિવેેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અર્થહીન શાબ્દિક યુદ્ધમાં સામેલ થવા ઇચ્છતું નથી અને કુલભૂષણનાં માતા અને પત્નીની મુલાકાત દરમિયાન અધિકારીઓના વલણ અંગે ભારતના આક્ષેપો બેબુનિયાદ છે અને હકીકતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતની ચિંતા યોગ્ય હોત તો મહેમાનોએ અથવા ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરે પ્રવાસ દરમિયાન જ આ મુદ્દાઓને મીડિયા સમક્ષ ઉઠાવવા જોઇતા હતા.

કુલભૂષણની પત્નીનાં જૂતાં પરત નહીં આપવાના આક્ષેપ પર વિદેશ કાર્યાલયના પ્રવકતા મહંમદ ફૈસલે જણાવ્યું હતું કે સુરક્ષાનાં કારણોસર આ જૂતાં જપ્ત કરવામાં આવ્યાં હતાં, કારણ કે તેમાં કોઇ શકમંદ ચીજવસ્તુ હતી. તેમણે જણાવ્યું હતું કે કુલભૂષણનાં પત્નીને બીજાં જૂતાં આપવામાં આવ્યાં હતાં અને તેમનાં તમામ ઘરેણાં પરત કરી દેવામાં આવ્યાં હતાં.

પ્રવકતાઅે જણાવ્યું હતું કે સત્ય તો એ છે કે કુલભૂષણનાં માતાએ માનવતા ખાતર પાકિસ્તાનનો જાહેરમાં આભાર વ્યકત કર્યો છે. જેની મીડિયાએ નોંધ લીધી નથી.

You might also like