કુલભૂષણ જાધવની ફાંસી વિરુદ્ધ પાક. સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ

ઈસ્લામાબાદઃ કુલભૂષણ જાધવની ફાંસીનો આદેશ રદ કરીને પાકિસ્તાનના બંધારણ અનુસાર નિર્ધારિત નિયમોમાં યોગ્ય અદાલતમાં તટસ્થ અને નિષ્પક્ષ ખટલો ચલાવવાની દાદ માંગવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવની ફાંસી વિરુદ્ધ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. ઈન્ડિયા-પાક જોઈન્ટ ડિફેન્સ કમિટી ફોર પ્રિઝનર દ્વારા પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં કુલભૂષણ જાધવની ફાંસીનો વિરોધ કરતી અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે કુલભૂષણ જાધવને સાંભળવાની એક તક આપવામાં આવે અને તેમને કાનૂની મદદ પણ ઉપલબ્ધ કરવામાં આવે. ભારત અને પાકિસ્તાનની જેલોમાં બંધ લોકોને વિના મૂલ્યે કાનૂની સહાય આપતી બંને દેશોની સંયુક્ત સમિતિ ઈન્ડિયા-પાક જોઈન્ટ ડિફેન્સ કમિટી ફોર પ્રિઝનરે આ અંગે એક ડ્રાફ્ટ પિટિશન ઈ-મેઈલ દ્વારા પાકિસ્તાન સુપ્રીમ કોર્ટને મોકલી આપી હતી. કમિટીના અધ્યક્ષ અને સિનિયર એડ્વોકેટ ભીમસિંહે જણાવ્યું છે કે વિધિવત્ પિટિશન સોમવારે દાખલ કરી દેવામાં આવશે.

જાધવ અંગે પાકિસ્તાન યુએનને દસ્તાવેજો સોંપશે
કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિ કરવાના આક્ષેપવાળા દસ્તાવેજો (ડોઝિયર) સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને વિદેશી રાજદ્વારીઓને સોંપવાની તૈયારીમાં છે. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરીને તાલિબાને પાકિસ્તાની એજન્સીઓને સોંપ્યા હતા અને ત્યાર બાદ પાછળથી ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી રોના એજન્ટ ગણાવીને કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like