સ્ટ્રગલ તો દરેક સરખી જ કરે છેઃ જેકલીન

અલ્લાઉદ્દીન’ જેવી ફ્લોપ ફિલ્મના માધ્યમથી બોલિવૂડમાં આવેલી સુંદર શ્રીલંકન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે બોલિવૂડની પ્રથમ હરોળની અભિનેત્રીઓમાં જગ્યા મળી ગઇ છે. ચુલબુલા અને માસૂમ પાત્રોથી લઇને ગ્લેમરસ પાત્રો પણ જેકલીન ભજવી ચૂકી છે. તાજેતરમાં વરુણ ધવન સાથેની તેની ફિલ્મ ‘જુડવા-૨’ સુપરહિટ રહી.

હાલમાં તેની પાસે ઘણી સારી ફિલ્મો પણ છે. જેકલીન ક્યારેય પોતાના એથિક્સ સાથે સમજૂતી કરતી નથી. તેનું માનવું છે કે ક્યારેક ક્યારેક સમજૂતી કરવી ફાયદાકારક હોય છે, જ્યારે તેણે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે તેણે કેટલાક નિયમ બનાવ્યા હતા, જેમાંથી એક એ હતો કે જે પાત્ર તેને કમ્ફર્ટેબલ નહીં લાગે તેને ક્યારેય હા નહીં કહે.

તેણે પોતાના આવા નિયમ પર અમલ કરવાનું શરૂ કરી દીધું તેના જ કારણે આજે તેનું માનવું છે કે તે આજે જે પણ છે અને જ્યાં પણ છે ત્યાં ખુશ છે. બોલિવૂડમાં અત્યાર સુધીની સફરમાં તેણે કઇ અભિનેત્રી પાસેથી પ્રેરણા મેળવી છે તે અંગે તેનું કહેવું છે કે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ તેને પ્રેરણા આપે છે. બંનેનો કોન્ફિડન્ટ એટિટ્યૂડ અને તેમના સિદ્ધાંત જેકલીનને ગમે છે.

તેનું માનવું છે કે આમ તો તે દરેક વ્યક્તિ પાસેથી કંઇક ને કંઇક શીખતી રહે છે. એક આઉટસાઇડર હોવા છતાં જેકલીને પોતાની અલગ દુનિયા બનાવી લીધી છે. તે કહે છે કે મેં આઉટસાઇડર અને ઇન્ડસ્ટ્રી સાથે રિલેટેડ બંને સાથે કામ કર્યું. મેં બંનેના સ્ટ્રગલને જોયું છે. મેં બહારથી આવેલા સુશાંત અને સિદ્ધાર્થની સ્ટ્રગલને જોઇ.

આજે તે બહારથી આવ્યા હોવા છતાં પોતાની જગ્યા બનાવી છે. મેં વરુણ અને ટાઇગર જેવા કલાકારો સાથે પણ કામ કર્યું. તે લોકોની સફર પણ સરળ હોતી નથી. જો તેઓ કોઇ ફિલ્મી પરિવારમાંથી આવતા હોય તો તેને સ્ટીરિયોટાઇપ કહીને બ્લેમ ન કરી શકાય. છેવટે નિર્ણય તો દર્શકો જ લે છે કે તેઓ કોને પરદા પર જોવા ઇચ્છે છે.

You might also like