જે.જી. કોલેજમાં મહિલા સિક્યોરિટી સાથે લુખ્ખાં તત્ત્વોએ મારામારી કરી

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જે.જી. કોલેજમાં આજે સવારે ૧૦ થી ૧પ લુખ્ખાં તત્ત્વોએ કોલેજના મહિલા સિક્યોરિટી અને અન્ય સિક્યોરિટી સ્ટાફ સાથે મારામારી કરી હતી અને મહિલાઓનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. આ અંગે પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. હાલમાં સિક્યોરિટી સ્ટાફ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ વસ્ત્રાપુરની જે.જી. કોલેજમાં યુનાઇટેડ ઇન્ડિયા સિક્યોરિટીને કોલેજમાં સિક્યોરિટીનો કોન્ટ્રાકટ અપાયો છે.

કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના આઇકાર્ડ તપાસ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. આજે સવારે ૮-૩૦ વાગ્યા આસપાસ ૧૦ થી ૧પ જેટલા યુવકો કોલેજમાં આવ્યા હતા. હાજર મહિલા સિક્યોરિટી અને અન્ય સિક્યોરિટી સ્ટાફ દ્વારા આઇકાર્ડ માગવામાં આવતાં ગાળાગાળી અને મારામારી શરૂ કરી હતી.

આ અંગે પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ કોલેજ દોડી આવી હતી. મારામારી કરનાર લુખ્ખાં તત્ત્વો ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સિક્યોરિટીના કર્મચારી રોહિતસિંગે જણાવ્યું હતું કે વારંવાર આ લુખ્ખાં તત્ત્વો કોલેજમાં આવી છેડતી અને લુખ્ખાગીરી કરતાં હોય છે. હાલમાં આ લુખ્ખાં તત્ત્વો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

http://sambhaavnews.com/

You might also like