અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ભારતની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે છે. ઇવાન્કા હૈદરાબાદ ખાતે જીઈએસમાં હાજરી આપશે. જીઇએસ એટલે ગ્લોબલ ઓન્ટ્રાપ્યુનરશિપ સમિટ જેનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. ઇવાન્કા ટ્રમ્પ આજે વહેલી સવારે શમશાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચ્યા છે. તેઓ 29 નવેમ્બરે સાંજે અમેરિકા જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે બેગમપેટ એરપોર્ટ પર પહોંચશે જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા મિયાપુર પહોંચશે. જીઇએસના ઉધ્ધાટન સત્રમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી, ઇવાન્કા તથા અન્ય ડેલીગેટ્સ જૂના શહેરમાં આવેલી પેલેસ હોટલ ધ તાજના ફલકનુમા પહોંચશે. જ્યા ભારત સરકાર વતી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનર ડિપ્લોમેસી બાદ પીએમ મોદી દિલ્હી રવાના થશે. ઇવાન્કાના આહમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

તમામ સુરક્ષા વ્યવસ્થા યૂએસ સિક્યૂરિટી એજન્સીઓ તથા ભારતના સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ સાથે સંકલન કરીને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં ભારત, અમેરિકા સહિત અન્ય દેશોમાંથી કુલ 1,500 જેટલા પ્રતિનિધિઓ, વ્યવસાયીઓ ભાગ લેવાના છે.

You might also like