ઈંગ્લેન્ડ સામે વન ડે ટીમમાં બૂમરાહના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો

કાર્ડિફઃ બીસીસીઆઇએ ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ત્રણ મેચની વન ડે શ્રેણી માટે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહના સ્થાને શાર્દુલ ઠાકુરને ૧૬ સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે. બૂમરાહને આયર્લેન્ડ સામે પ્રથમ ટી-૨૦ મેચ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી.

બોર્ડ તરફથી જણાવાયું છે કે બૂમરાહ હવે ઈંગ્લેન્ડ સામે રમાનારી વનડે ટીમનો હિસ્સો નહીં હોય. ભારત પાછા ફરતા પહેલાં ગત બુધવારે લિડ્સમાં બૂમરાની આંગળીનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન સફળ રહ્યું છે અને હવે બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખમાં બૂમરાહ રિહેબિલિટેશન શરૂ કરશે.

શાર્દુલ હાલ ઈંગ્લેન્ડમાં જ છે અને તે ઇન્ડિયા-એ ટીમનો હિસ્સો છે. ૨૬ વર્ષીય શાર્દુલે ગત વર્ષે શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

તેણે પોતાની અંતિમ વન ડે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જેમાં તેણે બાવન રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

You might also like