જેવું છે તેમ સ્વીકારી શકો છો?

પોતાની સાથે જોડાયેલી-જીવતી વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારી લેવાનું દરેક માટે એટલું સહજ નથી હોતું. જે છે તેમ સ્વીકારી લેવાથી રોજિંદી જિંદગીમાં સવાલો અને ઘર્ષણ ટળી જતાં હશે, પણ ‘મન’નું શું કરવું?

સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં ક્યા વ્યક્તિનો મૂડ અને તેની માનસિક સ્થિતિ કેવી હશે તેનો અંદાજ આવી જાય છે. ઉદાસ, ખુશ, ગુસ્સા આવા અનેક મિજાજનાં સ્ટિકર્સ સાથે લોકો પોતાનું સ્ટેટસ અપડેઈટ કરે છે. આવું જ એક સ્ટેટસ જોયું, એસેપ્ટ એવરીવન એઝ ધે આર.

એ પછી એક સવાલ થયો શું ખરેખર બધાં જેવા છે તેવાં સ્વીકારવું શક્ય છે?
જો જે વ્યક્તિ જેવી છે તેવી જ સ્વીકારી લઈએ તો જિંદગીમાં કોઈ સવાલો જ ન રહે. કોઈ ઝઘડા, દેખાદેખી કે માથાકૂટ થાય જ નહીં, પરંતુ એવું તો શક્ય નથી બનતું. આપણી સાથે જોડાયેલી કે જીવતી વ્યક્તિ છે એને આપણે આપણી વિચારસરણીને ધ્યાને લઈને જોતાં હોઈએ છીએ. કેટલીક વખત તો સામેવાળી વ્યક્તિને આપણે બદલવાની કોશિશ પણ કરીએ છીએ.

બહુ જ જાણીતો એક જોક પણ છે કે, લગ્ન કરીને આવેલી સ્ત્રી પોતાના પતિને કાયમ રોક-ટોક કરીને તેની જિંદગી પલટી નાખે છે. પછી કહે છે કે, હવે તમે પહેલાં જેવા નથી રહ્યા. ત્યારે પતિ એને રિપ્લાય આપે છે કે, તેં મને ક્યાં પહેલાં જેવો રહેવા દીધો છે!

આ તો મજાકની વાત થઈ, પરંતુ ખરી જિંદગીમાં આપણે એ પરણીને આવેલી સ્ત્રી જેવું વર્તન કરતાં પહેલાં જરા પણ વિચાર કરતા નથી. આ વાત વાંચીને એવો સવાલ ચોક્કસ થાય કે, જે સંતાનોને જન્મ આપ્યો એમના ઉપર તો અધિકાર હોય કે નહીં.

હા, આ વાત સાથે સંમત થવામાં કોઈ સંશય નથી, પરંતુ બાળકોને ખીલવાનો મોકો ન આપીને તેમની માથે પોતાની વિચારસરણી ઠોકી બેસાડવી એ પણ યોગ્ય નથી. બાળકને સાચા ખોટા, સારા-ખરાબની સમજ આપવી એ દરેક મા-બાપની ફરજ છે, પણ ઘણાખરા પરિવારોમાં બાળક ઉપર મા-બાપ બંનેની અલગ-અલગ વિચારસરણી એવી હાવી થઈ ગઈ હોય છે કે, બાળક પોતાની રીતે કંઈ વિચારી જ નથી શકતું. એ ગમે તેટલું મોટું થાય તો પણ નિર્ણય લેવાની બાબતમાં કદીય સશક્ત નથી બની શકતું.

જોકે, કોઈ વ્યક્તિ સાથે જીવન શરૂ કરવાની વાત આવે કે જિંદગીમાં કોઈ નવી વ્યક્તિ હોય ત્યારે ગમા-અણગમાની ચર્ચા અને વાતો થતી રહે છે. જાણે અજાણે સાથે જીવતી વ્યક્તિની ટેવો-કુટેવો આપણા જીવન સાથે વણાઈ જતી હોય છે. કોઈ વખત સાથે જીવતી વ્યક્તિને દુઃખ ન થાય અથવા તો માથાકૂટ કે ઘર્ષણ ટાળવા માટે અમુક આદતો અને સ્વભાવ બદલાઈ જતાં હોય છે જે ઘણાખરા અંશે એટલું સહજ હોય છે કે, તમને પોતાને અંદાજ નથી આવતો હોતો કે તમે ક્યારે બદલાઈ ગયા.

હકીકત એ છે કે, બે વ્યક્તિઓનું નવું જીવન શરૂ થાય ત્યારે ગમતી વ્યક્તિ સાથે અને ગમતી વ્યક્તિ માટે સ્વભાવથી વિપરીત વર્તન અને વહેવાર થઈ જતો હોય છે. પરિવર્તનની ફરજ પાડવામાં આવે ત્યારે વધુ તકલીફ પડે છે. એ બદલાયા પછી પણ ફરિયાદો ઓછી ન થાય એટલે અઘરી પરિસ્થિતિ બની જાય.

શું ખરેખર જે વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવી એટલી અઘરી વાત છે? આ જ વાતને મિત્રોના સંદર્ભમાં મૂકીએ તો કદાચ વાત જુદી હોય. મિત્રોમાં આપણે આવી કોઈ શરત કે વર્તનનો આગ્રહ નથી રાખતાં, પણ જ્યાં અધિકાર આવે છે ત્યાં જેવું છે એવું સ્વીકારવું અઘરું થઈ પડે છે.

ફક્ત એક વખત વિચારી જો જો, જે જેવું છે તેવું પ્લસ – માઈનસ પોઈન્ટ સાથે સ્વીકારી લઈએ તો કેટલી તકલીફ ઓછી થઈ જાય. એક મિત્ર હંમેશાં એવું કહે કે, ડીએનએના સગાંમાં કોઈ ચોઈસ નથી મળતી. જ્યાં અવકાશ ન હોય ત્યાં ફાંફાં મારવાનો કોઈ મતલબ નથી. પસંદગીનું પાત્ર હોય એમાં પણ સો ટકા સ્વીકાર નથી હોતો ત્યારે જ કદાચ વધુ તકલીફ થતી હોય છે.

સંબંધો તૂટવાનું કારણ ઘણી વખત વિચારવા બેસીએ તો કદાચ એ જ મળે કે આપણે સ્વીકારી શકતાં નથી અને ફરિયાદોનો આપણી પાસે કોઈ પાર નથી. આ બધી દલીલો પછી પણ લેખની શરૂઆતમાં લખાયેલું વાક્ય એક વખત વિચારવા જેવું તો ખરું જ, જે જેવું છે એવું સ્વીકારી લઈએ તો…

જ્યોતિ ઉનડકટ

You might also like