ઇટલીમાં 1.2 લાખ ટન બરફ વચ્ચે ફસાયા ટુરિસ્ટ, કલાકોની જહેમત બાદ 10 જીવતા બહાર આવ્યા, 22 ગુમ

પેસ્કારાઃ ઈટાલીમાં ગત સપ્તાહે આવેલા શક્તિશાળી ભૂકંપબાદ હિમપ્રપાતથી ગ્રેન્ડ સેસો પર્વત પર આવેલી લકઝરી હોટલ રિગો પિઆનો બરફ નીચે દબાઈ ગઈ હતી. કલાકો સુધી ચાલેલા બચાવ ઓપરેશન બાદ બરફ નીચે દબાયેલા પાંચ બાળકો સહિત ૧૦ લોકોને બચાવી લેવાયા હતા. બચાવ ટીમે પાંચ લોકોના મૃતદેહો પણ બહાર કાઢ્યા હતા. તેમ છતાં હજુ પણ ૨૨ લોકો ગુમ છે. ૧.૨૦ લાખ ટન બરફની દીવાલ નીચે ૫૮ કલાક સુધી દબાયેલા રહેવા છતાં લોકો પોતાનો જીવ બચાવા માટે ગંદા બરફ પણ ખાવા પડ્યા છે.

૫૮ કલાક સુધી બરફ નીચે દબાયેલા રહ્યા બાદ બચાવવામાં આવેલી ૨૨ વર્ષની વિદ્યાર્થિની જ્યોર્જિયા ગેલાસે જણાવ્યું હતું કે હિમપ્રપાતથી જાણે બધુ જમીનદોસ્ત થવા લાગ્યું હતું અને અમે જ્યારે કોઈ નાના ડબ્બામાં ફસાઈ ગયા હોય તેવું લાગતું હતું.  અમે જીવતા રહેવા ઝઝૂમી રહ્યા હતા. ભૂખ તો અમે સહન કરી શકતા હતા, પરંતુ તરસને કારણે અમારું ગળું સુકાઈ રહ્યું હતું. તરસ બુઝાવવા ગંદો બરફ ખાઈને અમે અમારી જાતને જીવતી રાખી હતી.

જ્યોર્જિયાએ જણાવ્યું હતું કે આવા અકસ્માતમાં હિંમત રાખવી ખૂબ જરૂરી હતી એટલા માટે દિવસ આખો સાથે મળીને ગીતો ગાતા રહેતા હતા. ગીતો ગાવાથી અમારી હિંમત ટકી રહી હતી. ભારે હિમવર્ષાના કારણે હોટલ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. બરફ નીચે દબાયેલા લોકો ફેસબુક અને વોટ્સએપની મદદથી પોતાને બચાવવા અપીલ કરી રહ્યા હતા.

http://sambhaavnews.com/

 

You might also like