વોટ્સઅેપ મેસેજમાં બહેનનો દીક્ષા લીધેલો ફોટો જોઈ ભાઈ ચોંકી ઉઠ્યો!

અમદાવાદ: ત્રણ ભાઇના પરિવાર વચ્ચે એકની એક પુત્રીને માતા-પિતાની સંમતિ અને પરિવારજનોની ગેરહાજરીમાં સાબરમતી રામનગર ખાતે આવેલા હેમચંદ્રાચાર્ય પાઠશાળામાં દીક્ષા આપી દેવામાં આવતાં મામલો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે દીક્ષા લેનાર યુવતીનું નિવેદન રેકોર્ડિંગ કર્યું હતું. જેમાં યુવતી પુખ્ત વયની છે અને પોતાની મરજીથી આ દીક્ષા લીધી હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે દીક્ષા લેનાર યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જૈન સંઘ-મહારાજ સાહેબો દ્વારા પરિવારની સંમતિ વગર અને ગેરહાજરીમાં એકની એક પુત્રીને દીક્ષા આપી દેવાતાં તેઓ હવે શા માટે વગર સંમતિએ યુવતીને દીક્ષા આપી દેવાઇ તેનો જવાબ નહીં આપે તો પાંચ દિવસ બાદ સામૂહિક આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે.

ધંધૂકામાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં શશિકાંતભાઇ લીંબડિયાની ર૩ વર્ષીય પુત્રી દિપાલી લીંબડિયા છેલ્લાં ત્રણ વર્ષથી જૈન ધર્મમાં મહારાજ સાહેબ સાથે વિહારમાં જતી હતી. દિપાલીને દીક્ષા લેવાની હોવાથી જૈન ધર્મ મુજબ તે મહારાજ સાહેબ સામે રહી જૈન ધર્મનું જ્ઞાન અને શિક્ષણ મેળવતી હતી. પરિવાજનો પણ તેની દીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ બુધવારે સવારે અચાનક જ દીપાલીના ભાઇના વોટ્સઅપ પર દિપાલીની દીક્ષાના ફોટા આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. દીક્ષા બાબતે તપાસ કરતાં સાબરમતીના રામનગર ખાતે હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં દિપાલીને દીક્ષા આપી દેવાઇ હતી.

દિપાલીનાં પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દિપાલીની દીક્ષા પરિવાર તેનાં માતા-પિતાની સંમતિ વગર આપી દેવાઇ છે. સોમવારે દિપાલી સાથે વાતચીત થઇ હતી કે દીક્ષા માટે મુહૂર્ત કઢાવી અને કયારે દીક્ષા આપવાની છે તે નક્કી કરવાનું હતું અને બુધવારે મહારાજ સાહેબ દ્વારા તેને દીક્ષા આપી દેવામાં આવી હતી. આ આક્ષેપ કરતાં તેઓએ જણાવ્યું હતું કે પરિવારની જાણ બહાર ગેરહાજરીમાં આ દીક્ષા આપી દેવાઇ છે. જેથી આ બાબતે તેઓ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પોલીસે દીક્ષા લેનાર દિપાલીનું નિવેદન રેકોર્ડિંગ કર્યું હતું. જેમાં દિપાલીએ જણાવ્યું કે હું પુખ્ત વયની છું મારી મરજીથી દીક્ષા લીધી છે.

દિપાલીના પરિવારજનોએ જૈન ધર્મના મહારાજ સાહેબ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ત્રણ ભાઇના પરિવાર વચ્ચે તેમની એક એક પુત્રીની ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો કાઢીને ધંધૂકામાં દીક્ષા અપાવવાની હતી. તેની જગ્યાએ ઉતાવળથી બે લોકોની દીક્ષા સાથે દિપાલીને પણ દીક્ષા આપી દેવાઇ છે. પરિવારની સંમતિ વગર દીક્ષા આપવા બાબતે પરિવાજનો ધંધૂકાથી સાબરમતી પહોંચ્યા હતા. જ્યાં દિપાલીને જૈન મહારાજ સાહેબ દ્વારા મળવા દેવામાં પણ આવી ન હતી. વગર સંમતિ અને ગેરહાજરીમાં દીક્ષા આપી દેવા બાબતે પૂછતાં કોઇપણ ટ્રસ્ટી અથવા મહારાજ સાહેબ દ્વારા તેઓને કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો.

દિપાલીનાં માતા સરોજબહેને ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચ દિવસમાં જૈન મુનિઓ દ્વારા દિપાલીને માતા-પિતાની સંમતિ અને ગેરહાજરીમાં દીક્ષા આપી દેવા બાબતે કોઇ સ્પષ્ટ જવાબ નહીં આપવામાં આવે તો ત્રણ ભાઇ સહિત પરિવારના ૧૩ લોકો સામૂહિક આત્મવિલોપન કરશે.

આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ દેસાઇએ જણાવ્યું હતું કે યુવતીનાં માતા-પિતા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા હતાં. પોલીસે દીક્ષા લેનાર યુવતીનું નિવેદન રેકોર્ડ કર્યું છે. જેમાં પોતે પુખ્ત વયની છે અને પોતાની સંમતિથી દીક્ષા લીધી હોવાનું જણાવ્યું હતું. યુવતીનાં માતા-પિતાએ હવે આગળની વિધિમાં તેઓને હાજર રાખવામાં આવે તેમ જણાવતાં જૈન મહારાજ સાહેબે માતા-પિતાને હાજર રાખશે તેમ જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like