બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-૪નું સફળ પ્રાયોગિક પરિક્ષણ કરાયું

બાલેશ્વર : ભારતે અણુશસ્ત્રોનું વહન કરવા સક્ષમ વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ – ૪ નું પ્રાયોગિક પરિક્ષણ કર્યું હતું. ૪ હજાર કિ.મી.ના અંતરે આવેલા લક્ષ્યને વીંધી શકતી આ મિસાઈલનું પરિક્ષણ ઓડિશાના તટ પર આવેલી એક ટેસ્ટ રેન્જથી મોબાઈલ લોન્ચર દ્વારા કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે એક ગતિશીલ પ્રક્ષેપકની મદદથી આ મિસાઈલનું પરિક્ષણ અબ્દુલ કલામ આઈલેન્ડ ખાતેની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોન્ચ કોમ્પલેક્સ – ૪થી સવારે ૯ કલાકને ૪૫ મિનિટે કરવામાં આવ્યું હતું.

આ સ્થળનું નામ અગાઉ વ્હીલર આઈલેન્ડ હતું. સૂત્રોએ જણાવ્યું કે જમીનથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ સ્વદેશી મિસાઈલ અગ્નિ-૪માં ટુ સ્ટેજ શસ્ત્ર પ્રણાલિ છે. આ મિસાઈલ ૨૦ મીટર લાંબી અને ૧૭ ટન વજનની છે. આ પરિક્ષણ લશ્કરના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિસાઈલની પ્રહાર ક્ષમતા ૪ હજાર કિ.મી.ની છે. તેનો મતલબ એ થાય કે આ મિસાઈલ ૨૦ મિનિટથી પણ ઓછા સમયમાં ચીન અથવા પાકિસ્તાનને નિશાન બનાવી શકે તેવી છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે અગ્નિ – ૪ મિસાઈલમાં પાંચમી જનરેશનના કોમ્પ્યુટર લગાવવામાં આવ્યા છે. તેની આધુનિક વિશેષતા મુજબ તે ઉડ્ડયન દરમ્યાન ઊભા થતાં અવરોધો વખતે પણ તેને અસર થતી નથી અને દિશાનિર્દેશ કરી શકે છે.

મિસાઈલ તેના લક્ષ્ય સુધી સચોટ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે તેમાં ખાસ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિસાઈલનું પુનઃપ્રવેશ ઉષ્મા કવચ ૪હજાર ડિગ્રી સુધીના તાપમાનને સહન કરી શકે છે અને અંદરનું તાપમાન ૫૦ ડિગ્રીથી ઓછું રહે અને અંદરની સિસ્ટમ સામાન્ય રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરે છે. સૂત્રો મુજબ સશસ્ત્ર દળોના શસ્ત્રાગારમાં અગ્નિ ૧,૨,૩ અને પૃથ્વી પહેલેથી જ મોજૂદ છે, જેની પ્રહાર ક્ષમતા ૩ હજાર કિ.મી.થી વધુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મિસાઈલના માર્ગ પર નજર રાખવા માટે અને તેના દરેક બાજુએથી નિરીક્ષણ માટે ઓડિશાના તટ પર રડાર અને ઈલેક્ટ્રો – ઓપ્ટિકલ સિસ્ટમ લગાવવામાં આવી હતી. મિસાઈલના છેલ્લાં તબક્કાની દેખરેખ માટે નૌકાદળના બે જહાજ લક્ષ્યની નજીક રાખવામાં આવ્યા હતાં.અગ્નિ-૪ મિસાઈલનું આ પાંચમુ પરિક્ષણ હતું. છેલ્લું પરિક્ષણ ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યું હતું.

You might also like