અમદાવાદ: આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારના સપોર્ટે સ્થાનિક બજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૧૦૧ પોઇન્ટના સુધારે ૨૭,૮૮૮ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૫ પોઇન્ટના સુધારે ૮,૫૫૦ પોઇન્ટની ઉપર ૮,૫૫૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી, જોકે આઇટી સેક્ટરમાં નરમાઇની ચાલ નોંધાઇ હતી. વિપ્રો કંપનીના નબળા પરિણામે આ શેરમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ઇન્ફોસિસ કંપનીના શેરમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ હતી. તો બીજી બાજુ ઓટોમોબાઇલ અને બેન્કિંગ સેક્ટરમાં સકારાત્મક ચાલ નોંધાઇ છે.
શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૮,૫૦૦ની ઉપર ટકી રહેવામાં સફળ રહી છે. બજારનો અંડરટોન પોઝિટિવ છે તો બીજી બાજુ વૈશ્વિક બજારોની પણ સકારાત્મક અસર જોવા મળી છે અને તેના કારણે બજારમાં સુધારાની ચાલ નોંધાઇ છે.
દરમિયાન રિલાયન્સ કંપનીના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગેઈલ, કોલ ઈન્ડિયા અને સિપ્લા કંપનીના શેરમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી. ઓટો સેક્ટરમાં બજાજ ઓટો, હીરો મોટો કોર્પ, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૦.૨૦ ટકાથી ૦.૫૦ ટકાનો સુધારો જોવાયો હતો.
આઈટી શેર વધુ તૂટ્યા
પાછલા સપ્તાહે ટીસીએસ કંપનીના નબળા રિઝલ્ટ આવ્યા બાદ ઈન્ફોસિસના ગાઈડન્સ પણ કંપનીએ નબળા આપ્યા હતા. ગઈ કાલે વિપ્રો કંપનીનાં પરિણામ પણ શેરબજારની અપેક્ષા મુજબ ન આવતાં આજે શરૂઆતે આ કંપનીના શેરમાં ચાર ટકાનું ગાબડું પડ્યું છે.
વિપ્રો ૪.૩૫ ટકા
ઈન્ફોસિસ ૦.૬૧ ટકા