અંતરિક્ષમાં ફરવા જવું એટલું સરળ નથીઃ NASAની ચેતવણી

લંડન: જે લોકો ધરતીની બહાર નીકળીને ફરવા માટે અંતરિક્ષમાં જવાનું વિચારી રહ્યા છે તેઓ તેની ક‌ઠિનતાથી પરિચિત નથી. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના એક એસ્ટ્રોનોટના જણાવ્યા મુજબ અંતરિક્ષ યાનની સફર ખૂબ જ મુશ્કેલ હોય છે અને બીજા ગ્રહમાં ફરવા માટે સ્પેસ ટૂરિઝમ કંપની સાથે એગ્રીમેન્ટ કરી રહેલા લોકો માટે એટલું સરળ નથી કે તેઓ આની તૈયારીઓ કરી શકે.

આજ સુધી માત્ર એક જ સ્પેસ એજન્સી રોસ્કોસમોસ ટૂરિસ્ટને ર૦૦૧થી ર૦૦૯ની વચ્ચે અંતરિક્ષમાં લઇ ગઇ છે. આમાં લગભગ બેથી ચાર કરોડ અમેરિકી ડોલરનો ખર્ચ થયો હતો. હાલના સમયમાં ઘણી એરોસ્પેસ કંપનીઓ સ્પેસ ટૂરિઝમની દિશામાં કામ કરી રહી છે. આ કંપનીઓમાં બ્લૂ ઓરિજન, વર્જીન ગેલે‌િક્ટક અને સ્પેસએક્સ જેવી કંપનીઓ સામેલ છે. આ તમામની કોશિશ આગામી દસ વર્ષમાં કોમર્શિયલ સ્પેસ ફલાઇટની શરૂઆત કરવાની છે.

અંતરિક્ષમાં ફરવાની સંભાવના જોતાં સેંકડો લોકોએ આ કંપનીઓની સેવા લેવામાં રસ દાખવ્યો છે, જેમાં ઘણા જાણીતા લોકો પણ છે, જેમ કે હોલિવૂડ કલાકાર એન્જે‌િલના જોલી, કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડી કેપ્રિયો નાસાના એસ્ટોનોટ અન્ના ફિશરે આવા તમામ લોકોને ચેતવણી આપી છે કે તેઓ સંપૂર્ણ તૈયારી બાદ જ સ્પેસમાં જવાનો ફેંસલો કરે, કારણ કે હજુ તેમને અંદાજ નથી કે અંતરિક્ષ યાત્રા કોઇ પણ વ્યકિતના શરીર પર કેટલી ગંભીર અસર કરી શકે છે.

અન્ના ફિશર અંતરિક્ષમાં સફર કરનારી પહેલી માતા છે. ફિશરે કહ્યું કે ૧૯૮૪માં ડિસ્કવરી સ્પેસ શટલમાં પોતાના મિશન પર પહેલા બે દિવસ તે ગંભીર રીતે બીમાર થઇ ગઇ હતી. ફિશરે કહ્યું કે અંતરિક્ષ યાત્રા જહાજ પર બેસવા જેવી વાત નથી.

અઢી લાખ અમેરિકી ડોલર ખર્ચ કરીને પોતાના શરીરને તકલીફ આપવા જેવી આ વાત છે. ર૦૧૬માં અમેરિકામાં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે ચંદ્ર પર જવાના અભિયાનમાં સામેલ કે અન્ય કોઇ ગ્રહ પર જતા અંતરિક્ષયાત્રીઓમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પાંચ ગણું વધુ હોય છે.

અંતરિક્ષ એજન્સીઓ એસ્ટ્રોનોટ માટે ખાસ કરીને સોલર અને કાસ્મિક રેડિયેશનને લઇને ચિંતિત છે. અંતરિક્ષની સફર કરનાર લોકોના મેટાબોલિઝમમાં ગરબડ થાય છે. બોન ડેન્સિટી ઘટે છે. આંખોની રોશની અને રેસ્પિરેશન સિસ્ટમ પર ગંભીર અસર થાય છે.

You might also like