યોગેન્દ્ર યાદવની બહેનની હોસ્પિટલ પર ITના દરોડાઃ નીરવ મોદી સાથે કનેક્શન

નવી દિલ્હી: ઈન્કમટેક્સ વિભાગે હરિયાણાના રેવારીમાં સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવ સાથે સંકળાયેલ એક હોસ્પિટલ ગ્રૂપના વિવિધ સંકુલ પર દરોડા પાડીને રૂ.રર લાખની રોકડ જપ્ત કરી છે. આ અગાઉ એવી માહિતી મળી હતી કે હોસ્પિટલ ગ્રૂપે દાગીના ખરીદવા માટે નીરવ મોદીની કંપનીને રોકડમાં પેમેન્ટ કર્યું હતું.

સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે એવો આક્ષેપ કર્યો હતો કે તેમનાં બહેનની હોસ્પિટલ પર દરોડા એટલા માટે પાડવામાં આવ્યા છે કે ભાજપ તેમને ડરાવીને ચૂપ કરી દેવા માગે છે, કારણ કે તેમણે હરિયાણામાં ખેડૂતોના પાક માટે વાજબી ભાવ આપવા ઝુંબેશ શરૂ કરી છે. કોંગ્રેસે પણ આ દરોડાની સખત ટીકા કરી છે.

કોંગ્રેસના નેતા દીપેન્દ્રસિંહ હુડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા બદલો લેવા માટે કરવામાં આવેલી કાર્યવાહીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મારા માટે યોગેન્દ્ર યાદવ બીજા પક્ષના નેતા ચોક્કસ છે, પરંતુ મેં તેમના પરિવાર અંગે ઘણી સારી વાતો સાંભળી છે.

આ બદલા-બદલીની સરકાર છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પોતાના જૂના સાથી યોગેન્દ્ર યાદવનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે બદલાની રાજનીતિ બંધ કરવી જોઇએ.

તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ઇન્કમટેક્સ જેવી એજન્સીઓનો દુરુુપયોગ કરીને યોગેન્દ્ર યાદવના પરિવારને નિશાન બનાવવાની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. દરમિયાન ઇન્કમટેક્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ સંકુલ પર સર્ચ હાથ ધરીને ઇન્કમટેક્સ વિભાગની હરિયાણા તપાસ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ૪૦ ટેક્સ અધિકારીઓની ટીમ અને પોલીસકર્મીઓની ટીમે આ કાર્યવાહીમાં લીધો હતો.

એવું કહેવાય છે કે ગુરુગ્રામ ઇન્કમટેક્સ વિભાગની ટીમે યોગેન્દ્ર યાદવના બનેવી અને શહેરના વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત ડો. નરેન્દ્ર યાદવની હોસ્પિટલ કમલા નર્સિંગ હોમ અને તેમની બહેન ડો.પૂનમ યાદવની કલાવતી હોસ્પિટલમાં સર્ચ ઓપરશન હાથ ધર્યું હતું અને આ કાર્યવાહી દરમિયાન રૂ.રર લાખ રોકડા મળ્યા હતા.

ઇન્કમટેક્સ વિભાગે યોગેન્દ્ર યાદવના ભાણા ડો.ગૌતમ યાદવને પણ ત્યાં પણ દરોડા પાડ્યા હતા. ગાૈતમ યાદવ યોગેન્દ્ર યાદવની બહેન ડો.નીલમ યાદવના પુત્ર થાય છે. ઇન્કમટેક્સ વિભાગને એવા ઇનપુટ્સ મળ્યા હતા કે જ્વેલરી ખરીદવા આ લોકોએ નીરવ મોદીની કંપનીને કેશ પેમેન્ટ કર્યુ ં હતું અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા.

You might also like