જયા ટીવી પર આઈટીના દરોડાઃ શશિકલાને જબરદસ્ત ઝટકો

ચેન્નઈ: તામિલનાડુમાં આજે સવારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઘણી બધી ટીમે એઆઈડીએમકે નેતા શશિકલાના નિયંત્રણવાળા જયા ટીવીના કાર્યાલય અને તેના પરિવારના સભ્યો, સમર્થકો અને પૂર્વ મુખ્યપ્રધાન જે. જયલલિતાની કોદાન્દ એસ્ટેટ સહિત રાજ્યભરમાં ૮૦ જગ્યાએ દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે કુલ ૧૮૭ સ્થાન પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે દરોડા પાડ્યા છે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના લગભગ ૧૦ અધિકારીઓએ સવારે લગભગ ૬.૦૦ વાગ્યે ઈક્કટ થુંગલ સ્થિત ટીવી કાર્યાલયની ચેનલની તલાશી લેવાનું શરૂ કર્યું. ઈન્કમટેક્સના આ દરોડા જેલમાં બંધ વી. કે. શશિકલા અને તેની કંપની માટે ઝટકા સમાન છે. બીજી તરફ શશિકલાના નજીકના લોકોએ આ દરોડાને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા છે.

ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સચોરીની સૂચના મળ્યા બાદ તલાશી અભિયાન ચલાવાઈ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટેક્સચોરીની સૂચનાને અમે સમર્થન આપીએ છીએ. અમે ચેનલ અને તેના વરિષ્ઠ અધિકારીઓની ગતિવિધિઓનું ધ્યાન રાખી રહ્યા છીએ. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ દરોડા ઓપરેશન ક્લીન મની અભિયાન હેઠળ પાડવામાં આવ્યા છે. તે હેઠળ ૮૦ સ્થળોએ એકસાથે રેડ પડી છે. આ તપાસમાં શેલ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ વગેરે સામેલ છે.

જયા ટીવી ચેનલની શરૂઆત તામિલનાડુનાં સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન જે. જયલલિતાએ કરી હતી. હાલમાં તેના પર જેલમાં બંધ એઆઈડીએમકે નેતા વી. કે. શશિકલાનાં પરિવારજનોનું નિયંત્રણ છે. શશિકલાના ભત્રીજા વિવેક જયરામન આ ચેનલને સંભાળી રહ્યા છે. આ ચેનલ મુખ્યપ્રધાન પલાની સ્વામી અને પૂર્વ મુખ્યપ્રધાન ઓ. પનીરશેલવમ એક થયા બાદ એઆઈડીએમકે સરકારના કામકાજની સખત ટીકા કરી રહી હતી. ત્યાર બાદ ઈન્કમટેક્સની ટીમે શશિકલા પરિવારના નેતૃત્વવાળી વિવેક રેસિડેન્સી અને જાઝ સિનેમા પર તલાશી અભિયાન શરૂ કર્યું હતું. આ તલાશી અભિયાન એવા સમયે ચલાવાયું જ્યારે એઆઈડીએમકેના ચૂંટણી ચિહ્નનો મામલો ચૂંટણી આયોગ પાસે પેન્ડિંગ છે.

You might also like