ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના બેંગલુરુ સ્થિત ‘આશિયાના’ ઈગલટન રિસોર્ટ પર ITના દરોડા

બેંગલુરુ: ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની એક ટીમે કોંગ્રેસના નેતૃત્વવાળી કર્ણાટક સરકારના ઊર્જા પ્રધાન ડી. કે. શિવકુમાર, એક કોંગ્રેસી સાંસદ અને એક રિસોર્ટ પર આજે સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરતાં ચકચાર મચી ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે ઈન્કમટેક્સ અધિકારીઓએ બેંગલુરુના ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર દરોડા પાડ્યા છે, જ્યાં ગુજરાત કોંગ્રેસના ૪૦થી વધુ ધારાસભ્યને રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર સીઆરપીએફના જવાનો સાથે આવેલા ઈન્કમટેક્સના ૧૦ અધિકારીઓએ આજે સવારે ૭.૦૦ વાગ્યાથી ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે કનકપુરા અને સદાશિવનગરમાં ડી. કે. શિવકુમાર ઉપરાંત ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાં ઊતરેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના રૂમની પણ તલાશી લીધી હતી. ઈન્કમટેક્સ વિભાગને એ‍વી પણ શંકા છે કે ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાં જંગી પ્રમાણમાં રોકડ રકમ છુપાવીને રાખવામાં આવી છે.

આ સંદર્ભમાં ઈન્કમટેક્સના અધિકારીઓ ત્યાંના તમામ રૂમ અને વાહનોની પણ તલાશી લઈ રહ્યા છે. શિવકુમારના નાના ભાઈ અને આ વિસ્તારના ધારાસભ્યો ડી. કે. સુરેશ તેમજ એમએલસી રવિના નિવાસસ્થાન પર પણ દરોડાની કાર્યવાહી જારી છે.

રાજ્યસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ફાટફૂટ કે ક્રોસ વોટિંગ તેમજ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ન જાય તે માટે ૪૦થી વધુ ધારાસભ્યને અમદાવાદથી એરલિફ્ટ કરીને બેંગલુરુ લઈ જવાયા હતા અને કોંગ્રેસના ઊર્જા પ્રધાન ડી. કે. શિવકુમારની માલિકીના બેંગલુરુ સ્થિત ઈગલટન ગોલ્ફ રિસોર્ટ રાખવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે ઈન્કમટેક્સ અધિકારીઓની ટીમે સપાટો બોલાવીને દરોડાની કાર્યવાહી શરૂ કરતાં કોંગ્રેસ અને રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી.

કોંગ્રેસે ઈન્કમટેક્સ દરોડાની કાર્યવાહી બદલાે લેવાના મકસદથી મોદી સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જ્યારે ભાજપે એવી સ્પષ્ટતા કરી છે કે જો ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાં કંઈક ખોટું થયું હોય તો કાર્યવાહી કરવી પણ અયોગ્ય નથી. આ ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગે સદાશિવનગરના કનકપુરા વિસ્તારમાં આવેલ કોંગ્રેસના પ્રધાનના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ કર્ણાટક સરકારના ઊર્જા પ્રધાન ડી. કે. શિવકુમાર, ડી. કે. સુરેશ અને કોંગ્રેસના એમએલસી એસ. રવિના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડના અત્યંત ખાસ મનાતા ડી. કે. શિવકુમાર અને ડી. કે. સુરેશ આ વિસ્તારમાં ડી. કે. બ્રધર્સના નામે જાણીતા છે. સત્તાની લોબીઓમાં તેમની ખાસ વગ છે અને પક્ષના સંકટમોચક પણ માનવામાં આવે છે. ઈન્કમટેક્સ અધિકારીઓ દરોડા માટે આજે સવારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના આશિયાના એવા ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર પહોંચી ગયા હતા અને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઈગલટન ગોલ્ફ રિસોર્ટ બેંગલુરુથી ૬૦ કિ.મી. દૂર બિદાદી ઈન્ડ‌િસ્ટ્રયલ વિસ્તારમાં છે.

આ ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાં રૂમનું એક િદવસનું ભાડું રૂ. ૧૦,૦૦૦થી શરૂ થાય છે. આ વિસ્તારમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓનાં કાર્યાલય પણ આવેલાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડી. કે. સુરેશે ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાં ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યો માટે તમામ પ્રકારની સુવિધાઓ અને અન્ય જરૂરિયાત માટે પોતાના પિતરાઈ અને પાર્ટીના એમએલસી એસ. રવિની મદદ લીધી હતી.

ઈન્કમટેક્સ અધિકારીઓની ટીમે ઊર્જા પ્રધાન ડી. કે. શિવકુમારના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં છ કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપમાં પક્ષપલટો કર્યા બાદ કોંગ્રેસના ૪૦થી વધુ ધારાસભ્યને બેંગલુરુ લઈ જવાયા હતા અને આ માટે ડી. કે. શિવકુમાર અને ડી. કે. સુરેશે વ્યવસ્થા કરી આપી હતી. ડી. કે. શિવકુમાર રૂ. ૨૫૦ કરોડની સંપત્તિના માલિક છે અને તેમના ભાઈ ડી. કે. સુરેશ બેંગલુરુ ગ્રામીણ બેઠકના સાંસદ છે. ઈગલટન ગોલ્ફ રિસોર્ટ ડી. કે. સુરેશના સંસદીય મતવિસ્તારમાં જ આવે છે. ડી. કે. શિવકુમાર કર્ણાટકના મુખ્યપ્રધાનની રેસમાં પણ હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરશે એવા ડરથી કોંગ્રેસે પોતાના ૪૪ ધારાસભ્યને બેંગલુરુમાં ડી. શિવકુમારના ઈગલટન ગોલ્ફ રિસોર્ટમાં ઉતાર્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૮ ઓગસ્ટે ચૂંટણી યોજાનાર છે અને ભાજપે અહીં પોતાના ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બીજી બાજુ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ પણ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમને રાજ્યસભામાં ચૂંટાતા રોકવા ભાજપ તેના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યું છે.

You might also like