આઇટી પાર્કને ૨૫ કરોડની કેપિટલ સબસિડી અપાશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આજે આઇટી પોલિસી-૨૦૧૫માં ધરમૂળથી ફેરફાર કરાયા છે. સરકારની નવી આઇટી પોલિસીમાં હોરીમેન્ટસ આઇટી- આઇટી પાર્કને રૂ. ૨૫ કરોડની કેપિટલ સબસિડી આપવાની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત રોકાણકારો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ તેમજ અદ્યતન ૨૪ટ૭ કોલ સેન્ટર પણ સ્થાપવામાં આવશે.

અત્યારની આઇટી પોલિસી-૨૦૧૫ને એક વર્ષ વિતવા છતાં પણ તેમાં ખાસ પ્રગતિ જોવા મળી ન હતી. રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગનું બજેટ વણવપરાયુ રહ્યું હતું, જેના કારણે રાજ્ય સરકારે નવેસરથી સમીક્ષા કરીને આઇટી પોલિસીમાં ફેરફાર કર્યો છે.

નવી પોલિસી મુજબ રાજ્યમાં રોકાણ કરતા આઇટી- આઇટી યુનિટ્સ પાર્કસને જમીન ફાળવણી બાબતે રાજ્ય સરકાર યોગ્ય સગવડ પૂરી પાડશે. આઇટી-આઇટી ઉદ્યોગને સરકારી જમીનની ફાળવણી નવા વિસ્તારોમાં અથવા ચોક્કસ આઇટી-આઇટી કલસ્ટર કરાશે. આ ફાળવણી નિર્દિષ્ટ માપદંડો પૂર્ણ કરવાને આધિન રહેશે. હોરીઝેન્ટલ આઇટી-આઇટી પાર્કસને બિલ્ડિંગ અને માળખકિય સુવિધાઓમાં સ્થિર મૂડી રોકાણ ઉપર ૨૫ ટકાના દરે રૂ. ૨૫ કરોડ સુધીની સબસિડી અપાશે. વર્ટિકલ આઇટી-આઇટી પાર્કસને બિલ્ટઅપ વિસ્તાર માટે ચોરસફૂટ દીઠ રૂ. ૩૦૦ની કેપિટલ સબસિડી અપાશે.

આઇટી-આઇટી પાર્ક ડેવલપરને જમીનના વેચાણ, લીઝ, ટ્રાન્સફર ઉપર ચૂકવાતી સ્ટેમ્પ ડ્યૂટી, રજિસ્ટ્રેશન ફી, કન્વર્ઝન ફી ઉપર ૧૦૦ ટકા રાહત અપાશે. આઇટી-આઇટી પાર્કસને શરૂઆતના પાંચ વર્ષ માટે બિલની રકમમાં પ્રત્યેક યુનિટ દીઠ રૂ. ૧ના દરે પાવર ટેરિફ સબસિડી અપાશે. આઇટી- આઇટી પાર્કસને પાંચ વર્ષ માટે ચૂકવાયેલી ઇલેકિટ્રસિટી ડ્યૂટી ઉપર ૧૦૦ ટકા વળતર અપાશે.

પ્રવકતા મંત્રી સૌરભ પટેલે નવી આઇટી પોલિસીની વિગતો જાહેર કરતાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જાહેર કરેલી નવી પોલિસીને કારણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સર્વગ્રાહી વિકાસ દ્વારા ગતિશીલ ગુજરાતની વિકાસગતિ ઓર તેજ બનશે.

નવી આઇટી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય આઇટી- આઇટી સંબંધિત સેવાઓના એકમોમાં વર્તમાન રોકાણના સ્તરને દસગણું વધારવાનો, ગુજરાત સ્થિત આઇટી-આઇટી ઉદ્યોગનું ટર્નઓવર વધારીને ૧૫ બિલિયન યુ.એસ. ડોલર કરવાનું, રાજ્યમાંથી આઇટી નિકાસ વધારીને બે બિલિયન યુ.એસ. ડોલર કરવાનો તેમ જ આઇટી ક્ષેત્રમાં દશ લાખ યુવાનો માટે રોજગારીની પ્રત્યક્ષ તકો સર્જવાનો છે તેમ પણ મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવી નીતિમાં આરએન્ડડી સંસ્થાઓ, ફિનિશિંગ સ્કૂલ્સની સ્થાપના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તથા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેરમાં ભાગ લેનારા એકમો, આઇટી-આઇટી ઉદ્યોગ સંગઠનોને પણ પ્રોત્સાહકો અપાશે.

આ પ્રોત્સાહકોને યુવાનો માટે રોજગાર સર્જનની તકો સાથે જોડવા માટે આ નીતિમાં ઉલ્લેખ કરાયો છે કે આઇટી-આઇટી નીતિ અંતર્ગત સહાય મેળવતા એકમોએ પ્રત્યેક ૨૦ કર્મચારીઓ સામે એક વ્યક્તિને માનદ્ વેતનના ધોરણે ઇન્ટર્ન તરીકે નોકરી ઉપર રાખવાનો રહેશે. નીતિના ઝડપી અમલીકરણ માટેના સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવા ડિરેકટર ઓફ આઇટીને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાયા છે. જેથી અસરકારક સંકલન સાધી શકાશે.

નવી આઇટી પોલિસીની હાઇલાઇટ્સ
– વર્તમાન રોકાણનું સ્તર દશગણું વધારવું
– આઇટી ઉદ્યોગનું ટર્નઓવર ૧૫ બિલિયન યુ.એસ. ડોલર કરવું
– આઇટી નિકાસ બે બિલિયન યુ.એસ. ડોલર કરવી
– દશ લાખ યુવાનો માટે રોજગારીની પ્રત્યક્ષ તકો સર્જવી
– આઇટી પાર્કને રૂ. ૨૫ કરોડની કેપિટલ સબસિડી
– જમીન ફાળવણી માટેની સુવિધા
– નોંધણી- સ્ટેમ્પ ડ્યૂટીમાં ૧૦૦ ટકા રાહત
– શરૂઆતના પાંચ વર્ષ સુધી યુનિટ દીઠ રૂ. ૧ની પાવર ટેરિફ સબસિડી
– પાંચ વર્ષ માટે ચૂકવાયેલી ઇલેકિટ્રસિટી ડયૂટી ઉપર સો ટકા વળતર
– વેટ, સીએસટી, જીએસટી ઉપર મૂડી રોકાણના ૯૦ ટકા સુધીની મર્યાદામાં આઠ વર્ષ સુધી વળતર
– માઇક્રો ઉદ્યોગને રૂ. ૨૫ લાખ અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને યોગ્યતા- પ્રાપ્ત એકમોને લીઝ રેન્ટલ સબસિડી
– યોગ્યતા પ્રાપ્ત એકમોને એક કરોડની ટોચમર્યાદા સાથે ૨૫ ટકા કેપિટલ સબસિડી
– યોગ્યતા પ્રાપ્ત એકમોને ઇપીએફ દ્વારા રોજગાર સર્જન માટે પ્રોત્સાહન
– યોગ્યતા પ્રાપ્ત એકમો- સંસ્થાઓને પેટન્ટ મેળવવા આર્થિક સહાય
– કૌશલ્ય નિર્માણ, ગુણવત્તા પ્રમાણીકરણમાં આર્થિક સહાય
– આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર માટે માર્કેટ ડેવલપમેન્ટ સપોર્ટ કરાશે
– આર એન્ડ ડી સંસ્થાને પણ સહાય અપાશે

You might also like