દિવંગત જયલલિતાના નિવાસ સ્થાન પર ઈન્કમટેક્સના દરોડા

ચેન્નઈ: ઈન્કમટેક્સ ઓફિસરોએ તામિલનાડુના દિવંગત મુખ્યપ્રધાન જે. જયલલિતાના આવાસ પોયસ ગાર્ડનના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. આ દરોડા વિરુદ્ધ શશિકલાના સમર્થકો ઈન્કમટેક્સ ટીમની સામે ઊભા થઈ ગયા હતા. પોલીસે કેટલાય સમર્થકોની અટકાયત કરી હતી.

ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જેલમાં બંધ એઆઈએડીએમકેના નેતા વી.કે. શશિકલા દ્વારા ઉપયોગમાં લેવાતા પોયસ ગાર્ડનના રૂમમાં પણ તપાસ કરી હતી. ઈન્કમટેક્સ અધિકારીઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે તેમણે સમગ્ર પોયસ ગાર્ડનની તલાશી લીધી નથી. તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમ રાત્રે નવ વાગ્યે સંકુલમાં પ્રવેશી હતી અને માત્ર પુનગુનદ્રનનો રૂમ, રેકોર્ડ રૂમ અને શશિકલા દ્વારા ઉપયોગમાં લેવાતા રૂમની તપાસ કરી હતી. પુનગુનદ્રન દિવંગત મુખ્યપ્રધાન જયલલિતાના સહાયક હતા.

ઈન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહી સામે એઆઈએડીએમકેના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કાર્યકરોના હોબાળાને જોઈને સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. ઈન્કમટેક્સ વિભાગના દરોડા અંગે એઆઈએડીએમકેના પૂર્વ ધારાસભ્ય દિનાકરન કેમ્પના સમર્થક વી.પી. કલાઈ રાજને જણાવ્યું હતું કે આ એક રાજકીય સાજિશ છે અને એક જ પરિવારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

You might also like