દરોડા સહિત અન્ય કામગીરીમાં પડતી તકલીફને લઇને IT અધિકારીઓ શીખશે ગુજરાતી

અમદાવાદ: ઇન્કમટેકસ વિભાગ હવે કરચોરી પકડી પાડવા મામલે દિન પ્ર‌િતદિન કડકાઇભર્યાં પગલાં લઇ રહ્યું છે. વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડા દરમિયાન ભાષા સમજવામાં સરળતા રહે તે હેતુથી હવે આઇટી અધિકારીઓને ગુજરાતી ભાષા લખતા અને બોલતા શીખવવામાં આવશે જેનો અમલ આગામી સપ્તાહથી શરૂ થઇ જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. દેશના અન્ય ભાગમાંથી ગુજરાત આવતા કર્મચારીઓને ગુજરાતી શીખવા માટેના ખાસ વર્ગ શરૂ કરવામાં આવી રહ્યા છે.

અા પહેલાંના વર્ષોમાં રાજ્યના આઇટી વિભાગમાં ગુજરાતી અધિકારીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં હતી તેથી સ્ટેટમેન્ટ લેતી વખતે કે દરોડા દરમિયાન બહુ તકલીફ નહોતી પડતી. ચાલુ વર્ષે ગુજરાતી અધિકારીઓની કમી હોઇને દરોડા દરમિયાન મળતા કરોડોના વ્યવહાર કે દસ્તાવેજ વગેરે તમામ કાગળો ગુજરાતી ભાષામાં હોય ત્યારે તેને સરળતાથી ઉકેલી શકાય તે હેતુુથી પ્રાદેશિક ભાષાનો અભ્યાસ કરાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન મોટા ભાગે રજા ચિઠ્ઠી, દસ્તાવેજ, કબજા રસીદ કે સાટાખત વગેરે ગુજરાતીમાં હોય છે. એસેસમેન્ટ દરમિયાન કરોડોની કરચોરી પકડાતી હોય છે. ત્યારે ગુજરાતી ભાષાનું જ્ઞાન હોય તો કામ સરળતાથી થાય છે. માત્ર ગુજરાતી ભાષા જ નહીં કેટલીકવાર દસ્તાવેજ કે ચિઠ્ઠીઓના જે આંકડા ગુજરાતીમાં લખાયેલા હોય છે તેમાં પણ કયારેક તેને ઉકેલવામાં વિમાસણ થાય છે.

દરોડા દરમિયાન ગુજરાતી અધિકારી સાથે હોય તો કોઇ વાંધો અાવતો નથી, પરંતુ તાત્કાલિક કોઇ દરોડાનું આયોજન થયું હોય ત્યારે વારંવાર ગુજરાતી અનુવાદ કે કોમ્યુનિકેશનમાં તકલીફ પડેે છે. કયારેક કરદાતા અંગ્રેજી કે હિંદી જાણતો હોવા છતાં નહીં સમજતો હોવાનું કહીને ગુજરાતીનો આગ્રહ રાખે છે. ઉપરાંત સ્ટેટમેન્ટ ગુજરાતીમાં જ લખાય તેવો પણ કરદાતા આગ્રહ રાખે છે.

You might also like