કર્ણાટક, આંધ્ર અને પંજાબમાં ITના દરોડાઃ રૂ. ૧૪ કરોડથી વધુ કેશ જપ્ત

નવી દિલ્હી: દેશના કેટલાક ભાગોમાં એટીએમમાં કેશની અછતના સમાચારના પગલે ઈન્કમટેક્સ વિભાગે આ જ દિશામાં કાર્યવાહી કરીને કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને પંજાબના અલગ અલગ ભાગોમાં દરોડા પાડીને રૂ. ૧૪.૪૮ કરોડની કેશ જપ્ત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્કમટેક્સ વિભાગે એવી વ્યક્તિઓ અને બિઝનેસમેનનાં સ્થળો પર દરોડા પાડ્યા હતા કે જેમને ત્યાં કેશ હોવાની બાતમી હતી. ઈન્કમટેક્સ વિભાગે રૂ. ૨૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટમાં આ કેશ જપ્ત કરી હતી. ઈન્કમટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં બે રિયલ એસ્ટેટના કારોબારીઓને ત્યાં દરોડા પાડીને રૂ. ૫.૧૦ કરોડની કેશ જપ્ત કરી હતી. તેમના હિસાબના ચોપડામાં આ કેશનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો.

એ જ રીતે પંજાબના ખન્ના જિલ્લામાં એક ઉત્પાદકને ત્યાં દરોડા દરમિયાન રૂ. ૨.૬૨ કરોડની કિંમતની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. આ ગ્રૂપ પોતાના હિસાબી ચોપડાની બહાર લે વેચ કરી રહ્યું હતું અને હિસાબી ચોપડામાં તેની એન્ટ્રી ક્યાંય નહીં દર્શાવીને ખૂબ જ ઓછો નફો દર્શાવતું હતું. ઈન્કમટેક્સ વિભાગે આ ગ્રૂપનાં પાંચ લોકરો પણ સીલ કર્યાં છે.

ઈન્કમટેક્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્ણાટકમાં આ કેસ પીડબ્લ્યુડી કોન્ટ્રાક્ટરોને ત્યાંથી જપ્ત કરાઈ હતી. આ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા. કર્ણાટકમાં કેશ જપ્ત કરવાનો મામલો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે.

You might also like