આઈટી કરદાતાને મોકલેલી અડધી નોટિસો પાછી ફરી

મુંબઇ: નોટબંધી બાદ બેન્કના ખાતાંઓમાં જમા કરવામાં આવેલી રોકડ કાળા નાણાંની હોવાના સંકેતોના પગલે આવકવેરા વિભાગે દેશની કેટલીક બેન્કના ખાતેદારોને આ આવક અંગેની નોટિસો ફટકારી હતી. આવકવેરા વિભાગે ઇ-મેઇલ અને રજિસ્ટર્ડ પોસ્ટથી બેન્કોના ખાતેદારોને આ નોટિસો મોકલી આપી હતી, પરંતુ તેમાંથી અડધાથી પણ વધુ ટેક્સની નોટિસો પાછી ફરી હોવાની માહિતી બહાર આવી છે.

મુંબઇના આવકવેરા વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વિભાગે ૨૦૦૦થી વધુ નોટિસો મોકલી હતી તેમાંથી ૬૦ ટકા કરતા વધુ નોટિસો પાછી ફરી છે. મળતી માહિતી મુજબ મોટા ભાગની નોટિસો એટલા માટે પરત આવી છે કે કરદાતાએ પાન નંબરને ઇ-મેઇલ સાથે લિંક કર્યા ન હતા અથવા તો ખોટાં સરનામાં આપ્યાં હતાં.

આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટેક્સની સ્ક્રૂટિની ટાળવા માટે આ પ્રકારની રીત રસમો અપનાવવામાં આવી હોઇ શકે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે કાળાં નાણાંને અંકુશમાં મૂકવા તબક્કાવાર વિવિધ પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે બેન્કોમાં નિયમ કરતાં વધુ રકમ જમા કરાવી હોય તથા લક્ઝુરિયસ ચીજવસ્તુઓની રોકડેથી ખરીદી કરી હોય તેવા લોકોને નોટિસો મોકલી હતી.
http://sambhaavnews.com/

You might also like