આઈટી ડિપાર્ટમેન્ટ પણ ટેક્સ ચૂકવવાની પ્રક્રિયા સરળ બનાવશે

મુંબઇ: આગામી ૧ જુલાઇથી જીએસટી અમલમાં આવી રહ્યો છે. વન ટેક્સ વન નેશન અંતર્ગત જીએસટી અમલમાં આવ્યા બાદ કારોબારીઓને ટેક્સ ચુકવણામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે.

સાથેસાથે વન ટેક્સ વન નેશન અંતર્ગત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ ટેક્સ ચૂકવવાની પ્રક્રિયા સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ-સીબીડીટીની એક હાઇ લેવલ કમિટીના રિપોર્ટની ભલામણ અનુસાર સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ ઇન્કમટેક્સ ચુકવણાની પ્રક્રિયા સરળ બનાવવાની સાથે અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે.

આ કમિટીની ભલામણો અનુસાર આઇટીના વોર્ડ અને સર્કલના રૂટમાં હાલ જે વ્યવસ્થા છે તે ભૌગોલિક વર્ગીકરણનું મહત્ત્વ આગામી દિવસોમાં નહીં રહે તથા સમગ્ર દેશમાં એક જ જ્યુરિડિક્શન લાગુ કરવામાં આવશે, જોકે તેના માટે ઇન્કમટેક્સ કાયદામાં પણ ફેરફાર કરવો પડશે.

પાછલા નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી ૪.૨૧ કરોડથી વધુ ટેક્સ રિટર્ન ઓનલાઇન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૪.૩ કરોડ ઇ-રિટર્ન્સની પ્રોસેસિંગ પણ થઇ ચૂકી હતી, જેમાં પાછલા વર્ષોનો બેકલોગ પણ સામેલ હતો.

વેપારીઓને જીએસટીની જેમ જ ઇન્કમટેકસના ચુકવણામાં સરળતા રહે તે માટે એકસરખી જ પ્રોસિજર લાગુ કરવાની સરકાર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like