ગભરાશો નહીંઃ અાઈટી વિભાગે હજુ કોઈને નોટિસ અાપી નથી

અમદાવાદ: રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયા બાદ જેમણે મોટી રકમ બેન્કના ખાતામાં ડિપોઝિટ કરાવી છે તેમને આવકવેરા વિભાગની નોટિસો મળવાની શરૂ થઈ હોવાના ફરતા થયેલા વોટ્સએપ મેસેજથી અનેક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જોકે ઈન્કમટેક્સ કન્સલ્ટન્ટસ આ બાબતમાં તથ્ય નહીં હોવાનું જણાવી રહ્યા છે.નોટબંધીના પગલે જૂની નોટોના સેટિંગ માટે અનેક લોકો તેમના ખાતામાં કોઈકના નાણા જમા કરી ૨૦થી ૪૦ ટકા કમિશન લઈ રહ્યા છે.

આ અંગે રિજિયોનલ કાઉન્સિલ ઓફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા અમદાવાદ બ્રાન્ચના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે જૂની રદ થયેલી રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બેન્કમાં ડિપોઝિટ કવાની મુદત ૩૧ ડિસેમ્બર છે. ત્યાર બાદ આઈટી વિભાગ બેન્કો પાસેથી તમામ ડેટા કલેક્ટ કરશે અને ત્યાર પછી જે એન્ટ્રીમાં જરૂરી લાગશે તેની નોટિસો ઈસ્યૂ થશે. હાલમાં આવી કોઈ નોટિસ આઈટી વિભાગ તરફથી અમદાવાદ કે ગુજરાતમાં આપવાનું શરૂ કરાયું નથી.

ગઈકાલથી સિલિગુડીમાં કોઈ વ્યક્તિને આઈટી વિભાગે નોટિસ ઈસ્યૂ કરી છે તેવા ફરતા થયેલા મેસેજના પગલે અનેક લોકો સીએને કે પછી જાણકારોને પૂછતા થઈ ગયા છે.

વોટ્સએપ ઉપર અત્યારે લોકો એકબીજાને આઈટી વિભાગની નોટિસ અને તેના કવર સાથેના ફોટા વોટ્સએપ સહિત સોશિયલ મિડિયા પર વાયરલ કરી રહ્યા છે.

આ અંગે ઈન્કમટેક્સ બાર એસોસિયેશનના બકુલ પરીખે જણાવ્યું હતું કે આઈટી વિભાગ દ્વારા આવી કોઈ નોટિસ અપાઈ હોય તેવું અમારા ધ્યાનમાં નથી. હજુ રદ થયેલી ચલણી નોટો જમા કરાવવાની કામગીરી ચાલુ હોઈને હાલમાં આઈટી વિભાગની નોટિસ ઈસ્યુ થવાનું શક્ય નથી.

You might also like