આઈટી રેડઃ ૨૪ લોકર સીલ એક કરોડના દાગીના મળ્યા

અમદાવાદ: છેલ્લા ૧પ દિવસ દરમ્યાન આઇટી વિભાગે કાળું નાણું શોધવા માટે સપાટો બોલાવ્યો છે. જ્વેલર્સ, ડોક્ટર્સ, બિલ્ડર્સ, ટ્રાન્સપોટર્સ, પો‌િલમર્સ સહિત અનેક વેપારીઓને ત્યાં દરોડા પડ્યા છે, જેમાં કરોડોનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતા છે. છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગરના વેપારીઓ પર વેટ વિભાગના દરોડા દ્વારા તપાસ ચાલી રહી છે તેમાં પછી પણ વધુ ૧૮પ કરોડના શંકાસ્પદ વ્યવહાર વિભાગે શોધી કાઢ્યા છે.

જ્યારે અમદાવાદ આઇટી વિભાગની ૪૦ જેટલી જુદી જુદી ટીમ દ્વારા ગાંધીધામની બે અગ્રણી પેઢીઓને ત્યાં બે દિવસ પૂર્વે પડેલા દરોડા દરમ્યાન તંત્રએ કેટલાક બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે. દરોડાના સતત ચોથા દિવસે એમ. આર. શાહ અને અંકુર ગ્રૂપની ઓફિસ, બ્રાન્ચ, રહેઠાણ પર ચાલી રહેલા સર્વેમાં બંને પેઢીઓના ૧ કરોડથી વધુનાં ઘરેણાં અને ર૪ બેંક લોકર સીલ કરવામાં આવ્યાં છે. સાથે-સાથે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ઓમ ટ્રેડર્સ દ્વારા ૯ કરોડની વેટ ચોરી પકડાતાં તેમની વિરુદ્ધ તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગાંધીધામના ટ્રાન્સપોર્ટર્સ ગ્રૂપની તપાસ આગળ અન્ય ટ્રાન્સપોર્ટર કે વેપારીઓ સુધી લંબાશે, જોકે અત્યાર સુધીમાં ટ્રાન્સપોર્ટર ગ્રૂપ એમ. આર. શાહને ત્યાં ચાલી રહેલી તપાસમાં ૧૦ કરોડથી વધુ રકમના બેનામી વ્યવહાર મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આઇટીડીએસ અંતર્ગત આવકવેરા વિભાગ તપાસ અને સર્વેની કાર્યવાહી ઝડપી બનાવશે. અમદાવાદના માણેકચોકના કેટલાક જવેલર્સ અને રતનપોળના વેપારીઓને ત્યાં આજે ત્રીજા દિવસે સર્વેની કામગીરી ચાલુ છે. ઘરેણાંના બેનામી હિસાબો બહાર આવવાની સંભાવના સાથે અમદાવાદના જ્વેલર્સના સર્વેમાં અંદાજે પાંચ કરોડથી વધુ ડિસ્કલોઝર જાહેર થશે તેવુ સૂત્રો જણાવે છે.

You might also like