આઈટી વિભાગે ૧૦ લાખથી વધુ રકમ જમા કરાવનારાઓની પૂછપરછ શરૂ કરી

મુંબઈ: નોટબંધી બાદ જે તે બેન્ક ખાતામાં ૧૦ લાખથી વધુ રકમ જમા થઈ છે તેવા ગ્રાહકોની આવકવેરા વિભાગે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ અંગે આવકવેરા વિભાગે જે તે ખાતેદારને આ રકમ તેઓ ક્યાંથી લાવ્યા છે તે અંગેના પુરાવા માગ્યા છે. આવી તપાસમાં કો-ઓપરેટીવ બેન્કોની પણ તપાસ થઈ રહી છે.

આઠ નવેમ્બર બાદ જે તે બેન્ક ખાતેદારોએ તેમના ખાતામાં મોટી માત્રામાં રકમ જમા કરાવી છે તેવા લોકોને તેઓ આવી રકમ કયાંથી લાવ્યા છે તે અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યુ છે. આ અંગે પહેલા તબકકામાં આઈટી માત્ર એવા જ એકાઉન્ટ અંગે તપાસ કરી રહ્યું છે, જેમાં તેને શંકા લાગી રહી છે. ખાસ કરીને જે ખાતામાં ૧૦ લાખથી વધુ રકમ જમા થઈ છે તે અંગે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. ટેકસ એડવાઇઝરી ફર્મ, નાંગિયા એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર રાકેશ નાંગિયાએ જણાવ્યું કે આવકવેરા વિભાગ એપ્રિલ ૨૦૧૬ બાદ બેન્કમાં જમા કરવામાં આવેલી મોટી રકમની ડિપોઝિટ અંગે પણ પૂછપરછ કરી રહ્યું છે, પંરતુ આવા મામલાની સંખ્યા વધુ હોવાથી તેની વિગતો બહાર આવતા સમય લાગી શકે તેમ છે. જોકે આ અંગે હાલ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ‍કવેરા વિભાગે અે વાતનું પણ ધ્યાન આપવુ જોઈએ કે તે માત્ર કાળુંનાણું ધરાવનારાઓ સામે જ કાર્યવાહી કરે અને ઇમાનદાર કરદાતાઓને ખોટી રીતે પરેશાન ના કરે.

બીજી તરફ આવકવેરા વિભાગ તરફથી ઈ-પ્લેટફોર્મ દ્વારા પૂછવામાં આવતા સવાલના જવાબ જે તે ખાતેદારોએ એનલાઇન જવાબ રજૂ કરવા પડશે. આવકવેરા વિભાગના અધિકારીઓ કેટલાક કેસમાં ખાતેદારો પાસેથી ‘પાન’ અને આધારકાર્ડની કોપી જમા કરાવવા આગ્રહ કરી રહ્યું છે. જો કોઈ ગ્રાહક પાસે પાનકાર્ડ ન હોય તો તેમને પહેલાં પાનકાર્ડ મેળવવાનું જણાવવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગે તાજેતરમાં જ અહેવાલ આપ્યો હતો કે આઇટી આગામી દિવસોમાં બેન્કોમાં જમા થયેલી ૧૦ લાખથી વધુ રકમ અંગે કાર્યવાહી કરવા માગે છે, જેમાં એક અંદાજ મુજબ દોઢ લાખ એવા ખાતાધારક છે કે તેમના ખાતામાં ૧૦ લાખથી વધુ રકમ જમા થઈ છે.
http://sambhaavnews.com/

You might also like