સુખ-દુઃખમાં સાથે રહેવામાં માને તે જીવન જીવવાનું અનેરું બળ મેળવે

કોઇ પણ વ્યકિતને અનેક સ્તરના અને ઘણા પ્રકારના સંબંધો હોય છે. આમાં સૌપ્રથમ પ્રકારમાં તેની સાથે લોહીના સગપણે બંધાયેલા સંબંધો આવે છે. બીજા પ્રકારના સંબંધોમાં લગ્નજીવનથી બંધાયેલા સંબંધો આવે છે કે જેમાં તેના જીવનસાથી અને શ્વશુર પક્ષની વ્યકિતઓનો સમાવેશ થાય છે. ત્રીજા સ્તરમાં તેના મિત્રો અને સ્વજનો આવે છે. આ ઉપરાંત વ્યક્તિ કામ કરતી હોય ત્યાં અને પોતાના સમાજમાં પણ તેને અનેક લોકો સાથે ઔપચારિક તેમજ અનૌપચારિક સ્તરના સંબંધો બંધાતા હોય છે. છેલ્લે તે કેટલાંક સંગઠનોમાં ઔપચારિક સભ્યપદ ધરાવતો હોય તો ત્યાં પણ તેના સંબંધો જોડાતા હોય છે. સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં રહીને ઘણી વ્યક્તિઓ કાર્યરત રહેતી હોય છે. આ રીતે માણસની ઓળખનો વ્યાપ ઘણા દૂર સુધી પહોંચતો હોય છે.
સંબંધ કોઇ પણ પ્રકારનો હોય, જે વ્યકિતઓ મજબૂત સંબંધોની ગાંઠથી અન્ય લોકો સાથે બંધાયેલી રહે છે અને સુખ-દુઃખમાં એકમેકની સાથે રહેવામાં માને છે તે જીવન જીવવાનું અનેરું બળ મેળવી જાય છે. સાવ એકલવાયું જીવન ગુજારનાર વ્યક્તિઓ કરતાં આવી વ્યક્તિઓ હંમેશાં ઘણું લાંબું અને આરોગ્યપ્રદ જીવન ગાળતી જોવા મળે છે. આવી વ્યક્તિઓ ધૂમ્રપાન કરતી હોય, શરાબનું સેવન કરતી હોય કે ઊંઘવામાં બેદરકાર હોય છતાં તેમના પર રોગના ઓળા ઓછા ઊતરતા હોય છે. આનો અર્થ એવો નથી કે અસ્વસ્થ જીવનશૈલી સાથે જીવીને કેવળ સામાજિક સંબંધોના સહારે માણસે લાંબું જીવવાની તમન્ના રાખવી જોઇએ. પોતાના કામનું આયોજન કરવું અને રાતે પૂરતી ઊંઘ મેળવવી એ તંદુરસ્તીની પાયાની જરૂરિયાતોની ક્યારેય ઉપેક્ષા કરશો નહીં, સાથેસાથે સુદૃઢ સામાજિક સંબંધો પણ કેળવશો તો લાંબા અને તંદુરસ્ત જીવનનો પાયો બંધાશે, એટલું જ નહીં પણ પોતાનાથી નાની ઉંમરના લોકો પર પણ તેનો સારો ધડો બેસશે.
સામાજિક સંગઠન અને ધાર્મિક સ્થાનોના સભ્યપદ કરતાં પણ જીવનસાથી, કુટુંબના સભ્યો અને મિત્રો-સ્વજનો સાથેના સંબંધો વ્યક્તિને રોગોથી બચાવવામાં વધારે ભૂમિકા ભજવે છે. લોકોને મતભેદોમાં જીવવાની ટેવ પડી ગઇ છે અને પરસ્પર ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની જરૂરિયાત કોઇને સમજાતી નથી.
આધુનિક સમયમાં કૌટુંબિક સંબંધોની ગુણવત્તા ઘણી નીચે ઊતરી ગઇ છે. ખાસ કરીને દાંપત્ય જીવન હવે ઘર્ષણમુકત બની ગયું છે. પતિ-પત્ની વચ્ચે થતા વિવાદની સીધી અસર તેમના સંબંધો પર પડવા લાગી છે. અગાઉ સંયુક્ત કુટુંબમાં પતિ-પત્ની વચ્ચેનું ઘર્ષણ ખાસ સપાટી પર આવતું નહીં અને જો કદાચિત્ આવી જાય તો પણ કુટુંબના સભ્ય વડીલોની છાયામાં નાનાં બાળકો ઝાઝી અસલામતીનો અનુભવ કર્યા વિના મોટાં થઇ જતાં હતાં, પરંતુ હાલના સમયમાં મનમેળ ન રહેવાથી પતિ-પત્ની વચ્ચે છૂટાં પડી જવાનો વિકલ્પ તદ્દન આસાન ગણી લેવામાં આવ્યો છે.

You might also like