વિદેશમાં જમા કાળાં નાણાં પર ITની બાજ નજર

નવી દિલ્હી: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વિદેશમાં જમા કાળાં નાણાં વિરુદ્ધ હવે ઝડપથી કાર્યવાહી શરૂ થશે. ઇન્કમટેક્સ વિભાગે ભારતીયો દ્વારા વિદેશમાં જમા કરવામાં આવેલ કાળું નાણું અને ખરીદવામાં આવેલ પ્રોપર્ટીની વિગતો મેળવવા માટે કેટલાય લોકોને નોટિસો ફટકારી છે.

નોટિસ બજાવીને તમામને આ માહિતી શેર કરવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે એવી પણ ચેતવણી અપાઇ છે કે જો કોઇ ગરબડ બહાર આવશે તો નવા એન્ટી બ્લેક મની કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્કમટેક્સ વિભાગ એવા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે, જેમણે વિદેશમાં ખરીદેલી પ્રોપર્ટીની માહિતી સરકારને આપી નથી. આમાંના કેટલાકની ઓળખ પણ થઇ ચૂકી છે અને તેમને નોટિસ બજાવવામાં આવી છે.

ઇન્કમટેક્સ વિભાગે ભારતીયો દ્વારા વિદેશમાં જમા ગેરકાયદે ભંડોળ અને પ્રોપર્ટીને લઇને મોટું અભિયાન શરૂ કર્યું છે. ઇન્કમટેક્સ વિભાગ પોતાના વિદેશી સમકક્ષની સાથે હજારો ભારતીયો દ્વારા ઓફશોર બેન્કમાં જમા અને એસેટ્સની ખરીદીની તપાસ કરી રહ્યું છે.

કેટલાય કિસ્સામાં વ્યક્તિગત રીતે નોટિસો બજાવવામાં આ‍વી છે. આ મામલે કેટલાય હાઇ પ્રોફાઇલ લોકો સંડોવાયા હોવાની વિગતો બહાર આવી છે. નવા કાયદા હેઠળ દોષિતોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.

You might also like