IT માટે નવું ફોર્મ જારીઃ કરદાતાએ વધુ જાણકારી આપવી પડશે

(એજન્સી)નવી દિલ્હી: ઇન્કમટેક્સ વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ (એસેસમેન્ટ વર્ષ ૨૦૧૯-૨૦) માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું નવું ફોર્મ નોટિફાઇ કરી દીધું છે. નવા ફોર્મમાં ગત વર્ષની તુલનાએ વધુ જાણકારી આપવી પડશે. આઇટીઆર-૧ (સહજ) હવે માત્ર પગારદારો માટે રહી ગયું છે.

કંપનીના ડાયરેક્ટરો અને અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનાર આ ફોર્મ ભરી શકશે નહીં. શેલ કંપનીઓ અને કાળાં નાણાં પર લગામ કસવાના મકસદથી આમ કરવામાં આવ્યું છે. આ વખતે આઇટીઆરમાં અનલિસ્ટેડ શેરની જાણકારી પણ આપવી પડશે. એ જ રીતે ગઇ સાલની જેમ સેલરી બ્રેકઅપ પણ બતાવવો પડશે. આઇટીઆર-૧ ફોર્મ માત્ર એને લાગુ પડશે, જેમની કુલ આવક રૂ. ૫૦ લાખ સુધી છે. આઇટીઆર-૧ સ્ટાન્ડર્ડ ડિડક્શનના વિકલ્પ સાથે આવે છે. આઇટીઆર ફાઇલ કરતી વખતે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે મહત્તમ રૂ. ૪૦ હજારનો ક્લેમ કરી શકો છો.

જો તમારી પાસે ઘર હોય તો આઇટીઆર-૧માં તમારે એ બતાવવું પડશે કે આ ઘરના માલિક તમે સ્વયં છો કે પછી ઘર વેચી નાખ્યું છે. હવે આ નાણાકીય વર્ષમાં બીજા સ્રોત દ્વારા થનારી આવક અંગે પણ પૂરી જાણકારી આપવી પડશે. ગઇ સાલની જેમ જ સેલરીના બ્રેકઅપની માહિતીમાં સેલરી ઉપરાંત ભથ્થાં, વધારાની સુવિધાઓ અને પ્રોફિટ વગેરે બતાવવાં પડશે.

જો તમને હાઉસ રેન્ટ મળતું હોય તો તે બતાવવું પડશે. પેપર ફાઇલિંગની સુવિધા હવે માત્ર ૮૦ વર્ષથી ઉપરના લોકોને મળશે. બાકીના તમામ કરદાતાઓએ ઇલેક્ટ્રોનિકલી ફાઇલિંગ કરવું પડશે. આઇટીઆર-૨માં ખેતીથી જેમને આવક થાય છે એવા લોકોએ હવે જમીનની પણ જાણકારી બતાવવી પડશે. આઇટીઆર-૬માં સ્ટાર્ટઅપ માટે અલગ કોલમ છે.

You might also like