ભાજપનો સંકલ્પ પત્ર જારીઃ રામમંદિરનો ઉકેલ શોધાશે, સેનાને છૂટોદોર અપાશે

(એજન્સી) નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષે આજે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેના ઘોષણા પત્રને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપે પોતાના સંકલ્પ પત્ર સંકલ્પિત ભારત, સશક્ત ભારતનું ટાઈટલ આપ્યું છે.

ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં પોતાનો સંકલ્પ પત્ર જારી કર્યો હતો. ચૂંટણી સંકલ્પ પત્રમાં જણાવાયું છે કે રામમંદિરનો ઉકેલ શોધાશે અને આતંકવાદ નાબૂદ કરવા સેનાને છુટ્ટો દોર અપાશે.

સંકલ્પ પત્ર જારી કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે અમે દેશ સમક્ષ પાંચ વર્ષનું વિઝન રાખ્યું હતું અને તેના પર દેશની જનતાએ વિશ્વાસ મુકીને અમને બહુમતી આપી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપનો પાંચ વર્ષનો કાર્યકાળ સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે જણાવ્યું હતું કે દેશ માત્ર આતંકવાદથી મુક્ત થશે જ નહીં, પરંતુ આતંકવાદી દેશ તરફ જોવાની હિંમત પણ નહીં કરે એવી સ્થિતિ લાવવાની અમારી અપેક્ષા છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પૂર્ણ બહુમત હોવા છતાં અમે એનડીએ સરકારની રચના કરી હતી અને દેશને આગળ વધારવાનું કામ કર્યું હતું. મોદી સરકાર પર ગોટાળાનો એક પણ આરોપ મુકાયો નથી અને કાળા નાણાં પર લગામ કસવામાં આવી છે. ભારત હવે એક મહાસત્તા બનીને ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દેશના ઈતિહાસમાં પાંચ વર્ષ વિકાસ માટે ઓ‍ળખવામાં આવશે. ભાજપે દેશમાં અસ્થિરતાને ખતમ કરી છે.

અમારી સરકારે ૫૦ કરોડ લોકોને ગરીબીમાંથી મુક્તિ અપાવી છે. ૨૦૧૪માં ભારતનું અર્થતંત્ર ૧૧માં ક્રમે હતું અને આજે છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. આજે દેશના સાત કરોડ ગરીબ ઘરોમાં ગેસ કનેકશનો આપવામાં આવ્યા છે. દેશના મોટા ભાગના ઘરોમાં વીજળી આવી ગઈ છે.

આ અગાઉ રવિવારે ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર જારી કર્યો હતો, તેમાં ભ્રષ્ટાચારમુક્ત સરકાર, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓ માટે કેટલીય યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ સંકલ્પપત્રમાં સગીરો સાથે દુષ્કર્મના કેસમાં અપરાધીઓને ફાંસીની જોગવાઈ કરવાની વાત પણ કરવામાં આવી છે.

શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે દ્વિચક્રી વાહન આપવાની યોજનાનો પણ સમાવેશ થાય છે. ઓડિશામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે ચાર તબક્કામાં યોજાશે. વિધાનસભાની ૧૪૭ અને લોકસભાની ૨૧ બેઠકો માટે ૧૧ એપ્રિલના રોજ મતદાન શરૂ થશે.

ભાજપે પોતાના ઘોષણાપત્રને સંકલ્પપત્ર એવું નામ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની મુખ્ય હરીફ કોંગ્રેસ પોતાનું ઘોષણાપત્ર અગાઉ જારી કરી ચૂકી છે. આ ઘોષણાપત્રમાં ‌િમ‌િનમમ ઈન્કમ ગેરંટી હેઠળ વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યોજનાને ન્યૂનતમ યોજના એટલે ન્યાય આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપને ખેડૂતો માટે નવી કલ્યાણકારી યોજનાની શરૂઆત માટે મોટી સંખ્યામાં સૂચનો મળ્યાં હતાં અને તદ્અનુસાર સંકલ્પપત્રમાં ખેડૂતો માટે કેટલીક આકર્ષક યોજનાઓ જાહેર થઈ શકે છે. પાંચ વર્ષ અગાઉ ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો હતો ત્યારે બિઝનેસ અને ઉદ્યોગક્ષેત્ર માટે ઘણો અનુકૂળ માનવામાં આવી રહ્યો હતો.

બિઝનેસજગતને મોદી સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ મે‌િનફેસ્ટોમાં ભાજપે ભારતને દુનિયાનું એક મજબૂત અર્થતંત્ર બનાવવા અને રોજગાર વધારવા જેવા તમામ વાયદા કર્યા હતા.

You might also like