ઇસરોની સ્વદેશી ટેકનિકથી સિયાચીનમાં સૈનિકોનો જીવ બચાવી શકાશે

તિરુવનંતપુરમ્: સિયાચીન ગ્લેશિયરની ઊંચાઈ પર તહેનાત સૈનિકોના દુશ્મન પાકિસ્તાનથી અાવતી ગોળીઅો નહીં, પરંતુ અહીંનું ખરાબ હવામાન છે. ઇસરોઅે અંતરિક્ષમાં પ્રયોગ માટે એક એવી ટેક‌િનક વિકસાવી છે, જેનો ઉપયોગ સિયાચીનના સૈનિકો માટે ઝડપથી અને અસરકારક રીતે કરવામાં અાવે તો સૈનિકોની મૃત્યુની સંખ્યા ઘટાડી શકાય.
ઇસરોઅે વિશ્વનો સૌથી હળવો ઇન્સ્યુલે‌િટંગ (ઉષ્મારોધી) પદાર્થ સિ‌િલકા અેરોઝેલ અને ઉચ્ચ ક્ષમતાવાળી બેકન ટેક‌િનક વિકસાવી છે. અા અત્યંત હળવો પદાર્થ અસરકારક ઇન્સ્યુલે‌િટંગનું કામ કરશે. શોધ અને બચાવ માટે હાથમાં લઈને ચાલનારા ઉપકરણમાંથી નીકળનાર રેડિયો તરંગો દ્વારા ગુમ થયેલા કે બરફમાં દબાયેલા સૈનિકોની સ્થિતિની જાણ સેટેલાઈટના માધ્યમથી જાણી શકાશે.
ઇસરો સાથે જોડાયેલ વૈજ્ઞાનિક નગા પ્રિયાઅે જણાવ્યું કે ટેકનોલોજીમાં સુધારો નહીં થવાના કારણે ભારતીય સૈનિકો ખૂબ જ ભારે કપડાં પહેરે છે, પરંતુ જો ટેકનોલોજીમાં સુધારો અાવશે તો તેમને અા બધી બાબતોમાંથી પણ મુક્તિ મળશે.
૧૦૦૦ સૈનિકો જીવ ગુમાવી
ચૂક્યા છે
રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ સિયાચીન ગ્લેશિયર પર છેલ્લા ત્રણ મહિના દરમિયાન કમસે કમ ૪૧ સૈનિકો મોતને ભેટી ચૂક્યા છે. અોફિશિયલ અાંકડા મુજબ ૧૯૮૪માં સિયાચીન પર કબજો જમાવ્યા બાદથી અત્યાર સુધીમાં ૧૦૦૦ સૈનિક પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તેમાં માત્ર ૨૨૦ સૈનિક જ દુશ્મનની ગોળીથી શહીદ થયા છે.

You might also like