ISROએ સૌથી ભારે સેટેલાઈટ GSAT-11 લોન્ચ કર્યો: ઈન્ટરનેટના ક્ષેત્રે ‘સ્પીડ ક્રાંતિ’ આવશે

બેંગલુરુ: અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આજે વહેલી સવારે અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઈટ GSAT-11 લોન્ચ કર્યો.

આ ઉપગ્રહને દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાના સ્પેસ સેન્ટરથી ફ્રાન્સના એરિયન-પ રોકેટની મદદથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.

ઈસરોનો આ અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઈટ છે, જેનું વજન પ,૮૪પ કિલોગ્રામ છે. ભારતીય સમયાનુસાર મોડી રાતે ર.૦૭ અને ૩.ર૩ કલાક દરમિયાન આ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોની આ ખૂબ મોટી સફળતા ગણાય છે અને આ સેટેલાઈટથી ભારતમાં ઈન્ટરનેટની સ્પીડ વધારવામાં ઘણી મદદ મળશે.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર ઈન્ટરનેટ ક્ષેત્રમાં આ ‘સ્પીડ ક્રાંતિ’ની શરૂઆત છે. આ સફળતા ટેલિકોમ સેક્ટર માટે પણ વરદાન સાબિત થશે, કેમ કે તેની મદદથી ઈન્ટરનેટની સ્પીડ પ્રતિ સેકન્ડ ૧૪ જીબીપીએસ સુધી થઈ શકે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, ઈસરો જીસેટ-ર૯ સેટેલાઈટ્સને પહેલાંથી જ લોન્ચ કરી ચૂક્યું છે. આ ઉપરાંત જીસેટ-ર૦ આગામી વર્ષે લોન્ચ થવાનો છે. જીસેટ-૧૧ સેટેલાઈટ પહેલા રપ મેના રોજ લોન્ચ થવાનો હતો, પરંતુ ઈસરોએ વધારાની કેટલીક જરૂરી ટેકનિકલ તપાસ બાકી હોવાનું જણાવી પ્રક્ષેપણ કાર્યક્રમ પાછો ઠેલ્યો હતો. ઈસરો તેના અગાઉના નિષ્ફળ અનુભવમાંથી આ પાઠ શીખ્યું હતું.

દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ લાવવા ચાર સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં જીસેટ-૧૧ ત્રીજો ઉપગ્રહ છે. આ અગાઉ જીસેટ-૧૯ અને જીસેટ-ર૯૮ પહેલા લોન્ચ થઈ ચૂક્યા છે. આ ઘટનાક્રમમાં ચોથો સેટેલાઈટ જીસેટ-ર૦ આગામી વર્ષે લોન્ચ થશે અને ત્યાર બાદ ઈન્ટરનેટ ક્ષેત્રે ભારતની તસવીર સાવ બદલાઈ જશે. આ ચારેય સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ દેશમાં ૧૦૦ ગીગાબાઈટ (જીબી) સ્પીડથી ડેટા ટ્રાન્સફર થવાની આશા છે.

સેટેલાઈટની રસપ્રદ વાતો
• જીસેટ-૧૧ સેટેલાઈટનું વજન પ,૮પ૪ કિલોગ્રામ છે.
• દરેક સોલર પેનલની લંબાઈ ૪ મીટર.
• ૩૬,૦૦૦ કિમીની ઊંચાઈએ સ્થાપિત થશે.
• ૧પ વર્ષથી વધુનો જીવનકાળ.
• અંદાજે પ૦૦ કરોડનો કુલ ખર્ચ
જીસેટ-૧૧થી ક્રાંતિ કઈ રીતે આવશે?
• આ સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે ‘ગેમ ચેન્જર’ છે. દર સેકન્ડે ૧૦૦ ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળી શકશે.
• જીસેટ-૧૧માં ૪૦ ટ્રાન્સપોન્ડર ક્રૂ-બેન્ડ અને કા-બેન્ડ ફ્રિકવન્સીમાં છે. તેની મદદથી હાઈ બેન્ડવિથ કનેક્ટિવિટી ૧૪ જીબી પ્રતિ સેકન્ડ ડેટા ટ્રાન્સફર સ્પીડ મળશે.
• આ સેટેલાઈટ બીમ્સનો અનેક વખત પ્રયોગ કરવામાં સક્ષમ છે, જેનાથી સમગ્ર દેશના ભૌગોલિક ક્ષેત્રને કવર કરી શકાશે.
• જીસેટ-૧૧માં ચાર ઉચ્ચ ક્ષમતાવાળા થ્રોપુટ સેટેલાઈટ છે, જે આગામી વર્ષે પ્રતિ સેકન્ડ ૧૦૦ જીબીથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે.

You might also like