ઈઝરાયેલઃ ઈતિહાસ, પડકાર, પ્રતિકારનું અનોખું સંયોજન

‘ઈઝરાયેલ’ એટલે? આવો સવાલ જો પૂછવામાં આવે તો તમારો પહેલો જવાબ શું હોય? તમારા દિમાગમાં સૌથી પહેલી છાપ શું ઉપસે? એક પ્રગતિશીલ દેશ, મોસાદ, આતંકવાદ, યહૂદીઓ કે બીજું કંઈ? ગમે તે હોય, એક વાત નક્કી છે કે તમે જે પણ જવાબ વિચારો તે અધૂરો જ હોવાનો. કેમ કે, કોઈપણ દેશની ઓળખ અન્ય દેશોમાં માત્ર તેની અમુક ચોક્કસ બાબતો પૂરતી જ મર્યાદિત હોય છે. આવું ઈઝરાયેલ બાબતે પણ છે. ત્યારે ચાલો તેની કેટલીક અજાણી વાતો પર નજર કરીએ, જે હૃદયદ્રાવક હોવા છતાં સ્વાભિમાની એવા કોઈપણ દેશ માટે પ્રેરણાદાયી બને તેમ છે.

ઈઝરાયેલ અને ઈતિહાસ
દક્ષિણ પશ્ચિમ એશિયા સ્થિત આ દેશ આપણા દિલ્હી કરતાં પણ ક્યાંય ઓછી વસ્તી ધરાવે છે. છતાં તેનો ઈતિહાસ અને હાલની પ્રગતિ કોઈ પરીકથાની વાર્તાથી જરાય ઉતરતી નથી. ઉત્તરે લેબનૉન, પૂર્વમાં સીરિયા અને જૉર્ડન, અને દક્ષિણ પશ્ચિમમાં મિસ્રને અડીને આવેલા આ દેશનું રાજકીય અને ઐતિહાસિક મહત્ત્વ અદકેરું છે.

કોઈપણ દેશના અસ્તિત્વને ખતમ કરી નાખવું હોય તો સૌથી પહેલા ત્યાંની સભ્યતા-સંસ્કૃતિને ખતમ કરો એવી એક થિયરી વર્ષોથી ચાલી આવે છે. બિલકુલ આવું જ કામ રોમને કેનન સાથે કર્યું હતું. તમને થશે કે આ કેનન વળી શું છે. તો જાણી લો કે, ઈઝરાયેલનું પ્રાચીન નામ કેનન હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ભારત સહિતના જે દેશો આઝાદ થયા તેમાં એક ઈઝરાયેલ પણ હતો. એ જ્યાં અસ્તિત્વમાં આવ્યો ત્યાં અગાઉ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળનો પેલેસ્ટાઈન નામનો આરબોનો દેશ હતો. તે પહેલા યહૂદીઓનો કોઈ ચોક્કસ દેશ નહોતો. તેઓ દુનિયાના વિવિધ દેશોમાં ફેલાયેલા હતા અને પોતાનો કોઈ એક નિશ્ચિત દેશ હોય તેમ ઈચ્છતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની હાલત કફોડી બની એ તકનો લાભ લઈને ભારત સહિતના તેના તાબા હેઠળના દેશોમાં આઝાદીની માંગ પ્રબળ બની. આ લાભ ઈઝરાયેલે પણ લીધો. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું તેના બરાબર નવ મહિના પછી ૧૪મી મે, ૧૯૪૮ના રોજ પેલેસ્ટાઈનના બ્રિટિશ જનાદેશથી ઈઝરાયેલ તેમાંથી અલગ થયું. જેરૂસલેમ તેની રાજધાની બની. અહીંના મૂળ નિવાસીઓ પછીથી ‘ઈઝરાયલી’ કહેવાયા.

ઘણીબધી બાબતે ભારત અને ઈઝરાયેલનો આઝાદીનો ઈતિહાસ મળતો આવે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ જેમ અંગ્રેજોની દગાખોરીના કારણે ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તેમ સંયુક્ત રાષ્ટ્રસંઘની બ્રિટન અને અમેરિકા તરફી નીતિના કારણે પેલેસ્ટાઈનમાંથી ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું. ભારતના ભાગલા બાદ જે રીતે પાકિસ્તાન અસ્તિત્વમાં આવતા જ અનેક મુસ્લિમો ત્યાં જવા માંડ્યા હતા એવું જ ઈઝરાયેલમાં પણ બન્યું. દુનિયાભરમાં યહૂદીઓ અહીં આવીને વસવા લાગ્યા હતા. ભારત-પાકિસ્તાન કરતાં અહીં ફરક એ હતો કે ઈઝરાયેલે સામેથી જ તેમને પોતાના દેશના નાગરિક બનવા આમંત્રણ પાઠવ્યું હતું. શરત માત્ર એટલી જ કે તે યહૂદી હોવો જોઈએ. આજે અહીં ૭૬ ટકા વસ્તી યહૂદીઓની, ૯ ટકા આરબોની છે. મૂળે આરબોના પ્રદેશ પેલેસ્ટાઈનના ભાગલા પડીને ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું હોવાથી પહેલેથી જ અહીં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પેલેસ્ટાઈનના બે ભાગ કર્યા. જેમાંથી ૪૩.૫૩ ટકા આરબોને પેલેસ્ટાઈન તરીકે આપ્યું જ્યારે બાકીનું ૫૬.૪૭ ટકા યહૂદીઓને ઈઝરાયેલ તરીકે. પોતાનો પ્રદેશ હોવા છતાં યહૂદીઓ મોટો ભાગ પડાવી ગયા તે આરબોથી સહન ન થયું. જો કે એ વખતે પેલેસ્ટાઈન અંગ્રેજોના કબ્જામાં હતું અને તેને યુનો તથા અમેરિકાનો ટેકો હોવાથી તેમનું કશું ચાલ્યું નહીં. પણ જેવું ઈઝરાયેલ અલગ થયું કે તરત ઈરાક, ઈજિપ્ત, સીરિયા, જૉર્ડન અને પેલેસ્ટાઈન સહિતના દુશ્મન દેશોએ મળીને તેના પર હલ્લો બોલી દીધો. પણ ઈઝરાયેલ જેનું નામ. તેણે પોતાની મર્યાદિત સેના છતાં એકજૂટ થઈને પ્રતિકાર કર્યો અને તમામ દુશ્મન દેશોને એક પછી એક હરાવ્યા. યુદ્ધ પછી ઈઝરાયેલે જેરૂસલેમનો પશ્ચિમ ભાગ, જૉર્ડને પૂર્વ ભાગ જ્યારે ઈજિપ્તે ગાઝાપટ્ટી જાળવી રાખી. આ લડાઈ આજે પણ સતત ચાલી રહી છે. પણ ચારે તરફ દુશ્મન રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું ઈઝરાયેલ દરેક મોરચે તેમને પહોંચી વળે છે.

યુદ્ધ પછીનું ઈઝરાયેલ અને રાષ્ટ્રનિર્માણ
યુદ્ધ પૂર્ણ થયા બાદ તરત ઈઝરાયેલ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં લાગી ગયું. ૨૬ જાન્યુઆરી ૧૯૪૯માં પહેલી રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ. જેમાં અંદાજે ૮૫ ટકા નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ૧૨૦ સભ્યોને ચૂંટી કાઢ્યાં. ઈઝરાયેલને એક દેશ તરીકે અસ્તિત્વમાં લાવનાર યહૂદી એજન્સીના પ્રમુખ ડેવિડ બેન ગુરિયનને પ્રથમ વડા પ્રધાન અને વર્લ્ડ જિમ્નાસ્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ખાઈમ વાઈઝમૅનને સંસદના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા. આગળ જતા ૧૧મે, ૧૯૪૯ના રોજ ઈઝરાયેલ સંયુક્ત રાષ્ટ્રસંઘનો ૫૫મો સભ્ય દેશ બન્યો.

ઈઝરાયેલના અસ્તિત્વ પાછળનો એક માત્ર ઉદ્દેશ્ય યહૂદી નિરાશ્રિતોને એકત્ર કરવાનો હતો. તેથી ઈઝરાયેલે દુનિયાભરમાં ફેલાયેલા યહૂદીઓને અધિકાર આપી દીધો કે તેઓ અહીં આવે અને નાગિરકતા મેળવે. જેના કારણે માત્ર ચાર જ મહિનામાં અંદાજે ૫૦હજાર યહૂદીઓ અહીં આવ્યા. જેમાંના મોટાભાગના નાઝી ચેમ્બરમાંથી બચી ગયા હતા. ૧૯૫૧ સુધીમાં કુલ ૬.૮૭ લાખ સ્ત્રી-પુરુષ-બાળકો આવ્યા. આરબ દેશોમાંંથી પણ ત્રણ લાખ જેટલા શરણાર્થીઓ આવ્યા. પરિણામે વધતી વસ્તી અને યુદ્ધમાં થયેલા તોતિંગ ખર્ચે તેની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી.  જેની સામે તેણે વિદેશી મદદ માંગી. જેમાં અમેરિકા ખૂલીને સામે આવ્યું. અમેરિકી બૅન્કોએ લોન આપી, પ્રવાસી યહૂદીઓએ પણ દાન આપ્યું. જેનો ઉપયોગ ઈઝરાયેલે પોતાના વિકાસ કાર્યોમાં કર્યો. નવા ઘરો બનાવ્યાં, ખેત સુધારણા કરી, વ્યાપાર મંડળો સ્થાપ્યા, રાષ્ટ્રીય એરલાઈન્સ કંપની ઊભી કરી, ઉપલબ્ધ ખનીજોનો ઉપયોગ કર્યો, વીજળી, રસ્તા, દૂરસંચાર નેટવર્ક તૈયાર કર્યું. જેનું પરિણામ એ આવ્યું કે માત્ર એક દાયકામાં તેણે ઔદ્યોગિક ઉત્પાદન બેગણું કરી દીધું. મૅનપાવર વધતા ઔદ્યોગિક નિકાસ ચાર ગણી થઈ ગઈ. ખેતી માટે વિશાળ જમીની વિસ્તારનો ઉપયોગ કર્યો. ૫૦ હજાર એકરથી વધુ ઉજ્જડ જમીન પર વૃક્ષારોપણ કર્યું. ૮૦૦ કિ.મી. લાંબા હાઈવેની બંને તરફ વૃક્ષો ઉગાડ્યાં. પરિણામે માંસ અને અનાજને છોડીને બાકી તમામ ખાદ્યપદાર્થો મામલે તે આત્મનિર્ભર બની ગયો.

યહૂદી સમાજે ઈઝરાયેલ દેશ બનતા અગાઉ પોતાની એક આગવી શિક્ષણ પદ્ધતિ વિકસાવી હતી. જેને ઈઝરાયેલની આઝાદી બાદ મોટાપાયે લાગુ કરવામાં આવી. જે અંતર્ગત પાંચથી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત કરી દેવાયું. આગળ જતા ૧૯૭૮થી ૧૬ વર્ષ સુધી અને પછી ૧૮ વર્ષ સુધી લંબાવાયું. સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓને પણ ઉત્તેજન અપાયું. જેમાં મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમી તત્વોનું મિશ્રણ હતું. દુનિયાભરમાંથી આવેલા યહૂદીઓએ ન માત્ર પોતાના સમાજની ખાસ પરંપરાઓ, પરંતુ અગાઉ જ્યાં તેઓ રહેતા હતા ત્યાંની સંસ્કૃતિને પણ સાથે રાખી.

અહીં હિબ્રૂને એક બોલચાલની ભાષા તરીકે વિકસિત કરવાની ચળવળ યૂઝેર બેન યેહુદાએ શરૂ કરી હતી. તેમણે ૧૮૮૧માં ઈઝરાયેલ આવ્યા બાદ લોકોના ઘરે, સ્કૂલોમાં જઈને હિબ્રૂ ભાષાનો ઉપયોગ કરવા પ્રોત્સાહન પુરંુ પાડ્યું હતું. યૂઝેરે હિબ્રૂ ભાષામાં હજારો નવા શબ્દો વિકસાવ્યા. એટલું જ નહીં હિબ્રૂ ભાષામાં બે પત્રિકાઓ પણ શરૂ કરી હતી. ૧૮૯૬માં  હિબ્રૂ ભાષા સમિતિનું પુનર્ગઠન થયું. વર્ષ ૧૯૧૦માં પ્રાચીન અને આધુનિક હિબ્રૂ ભાષાનો શબ્દકોષ તૈયાર કરવાનું કામ શરૂ થયું. કુલ ૧૭ ભાગના આ શબ્દકોષના કેટલાય ભાગ તેમણે જાતે તૈયાર કર્યા હતા. તેમના પછી તેમની બીજી પત્ની અને પુત્રે મળીને આ કામ ચાલુ રાખ્યું. જે ૧૯૫૯માં પૂર્ણ થયું. ઈઝરાયેલની આ પ્રગતિની આ વાતો ફિનિક્સ પક્ષીની વાર્તાથી જરાય કમ નથી.

ઈઝરાયેલ સાથે જોડાયેલા રોચક તથ્યો
ઈઝરાયેલમાં એવી કેટલીક બાબતો છે જે તેને અન્ય દેશોથી અલગ તારવે છે. ચારેબાજુ દુશ્મન દેશોથી ઘેરાયેલો હોવા છતાં આ દેશ શાનથી જીવે છે. દુશ્મનો પણ એવા જે ગમે તે ભોગે તેને ખતમ કરી નાખવા તત્પર છે. તેમ છતાં દુશ્મન દેશો તેનાથી ગભરાય છે પણ ઈઝરાયેલ નહીં. આ શક્ય બન્યું છે તેની ચોક્કસ નીતિઓ અને સ્થાનિકોની દેશભક્તિના કારણે. અહીં તેની એવી કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે. એ મુજબ (૧) તે દુનિયાનો એકમાત્ર યહૂદી દેશ છે અને દુનિયાના કોઈપણ ખૂણે રહેતો યહૂદી અહીંનો નાગરિક મનાય છે. (૨) તેની રાષ્ટ્રભાષા હિબ્રૂ છે, જેના માટે કહેવાય છે કે મધ્યકાળમાં તે નષ્ટ પામી હતી અને તે ભાષાને શીખનાર કોઈ બચ્યું નહોતું. પણ ઈઝરાયેલની સ્થાપના થયા બાદ રાષ્ટ્રવાદી યહૂદીઓએ હિબ્રૂ ભાષાને અહીંની અધિકારિક ભાષા બનાવી. એ રીતે હિબ્રૂ ભાષાનો પણ પુનઃર્જન્મ થયો. રાષ્ટ્રભાષામાં વાતચીત કરવામાં નાનપ અનુભવતા ભારત જેવા દેશના નાગરિકોએ આ બાબતે ઈઝરાયેલ પાસેથી પ્રેરણા લેવા જેવી છે.(૩) આ એકમાત્ર દેશ છે જ્યાં પ્રત્યેક નાગરિકે મિલિટ્રી ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. પછી તે દેશના વડા પ્રધાનનો દીકરો હોય કે ખુદ વડા પ્રધાન. મહિલા હોય કે પુરુષ દરેક માટે આ ટ્રેનિંગ ફરજિયાત છે. છોકરા-છોકરીઓએ હાઈ સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ફરજિયાત મિલિટ્રી સર્વિસમાં જોડાવું પડે છે. છોકરાઓ માટે ત્રણ વર્ષ જ્યારે છોકરીઓ માટે આ ટ્રેનિંગ બે વર્ષની હોય છે. (૪) અમેરિકા, રશિયા અને ચીન બાદ ઈઝરાયેલ વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી હવાઈ સેના ધરાવે છે. ઈઝરાયેલ એકમાત્ર દેશ છે જે સંપૂર્ણ એન્ટિ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. અર્થાત દુશ્મન દેશ તરફથી ઈઝરાયેલ તરફ તાકવામાં આવતી દરેક મિસાઈલ રસ્તામાં જ આ સિસ્ટમથી તોડી પડાય છે. (૫) ઈન્સ્ટિટ્યૂટ ફૉર ઈન્ટેલીજન્સ ઍન્ડ સ્પેશ્યિલ ઑપરેશન કહેવામાં આવે તો ખ્યાલ ન આવે પણ મોસાદ કહીએ તો તરત આંખોમાં ચમક આવી જાય. જી, હા, ઈઝરાયેલની નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી છે મોસાદ. મોસાદનો મતલબ થાય છે મોત. એકવાર જે તેની નજરે ચડ્યો તેનું બચવું મુશ્કેલ છે. મોસાદના ખૂંખાર એજન્ટ દુનિયાના કોઈપણ ખૂણેથી દુશ્મનને શોધી કાઢવાની તાકાત ધરાવે છે. એનું જ કારણ છે કે ઈઝરાયેલની આ સિક્રેટ સર્વિસને દુનિયાની સૌથી ખતરનાક એજન્સી કહેવામાં આવે છે. મોસાદની પહોંચ એ દરેક જગ્યા સુધી છે, જ્યાં ઈઝરાયેલ કે તેના નાગરિકો વિરૂદ્ધ ષડયંત્ર રચાઈ શકતું હોય.મોસાદનો ઈતિહાસ ૬૩ વર્ષ જૂનો છે. તેનું હેડ ક્વાર્ટર ઈઝરાયેલના તેલ અવીબ શહેરમાં આવેલું છે. (૬) ૧૯૫૨માં મહાન વૈજ્ઞાનિક અને સાપેક્ષવાદના પ્રણેતા આલ્બર્ટ આઈનસ્ટાઈનને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બનવા માટેની ઓફર કરવામાં આવી હતી. પણ તેમણે એમ કહીને તે પ્રસ્તાવ નકારી દીધો હતો કે પોતે રાજકારણ માટે બન્યાં નથી. (૭) અહીં એક વિચિત્ર નિયમ એવો છે કે તમે રવિવારના દિવસે નાક સાફ ન કરી શકો. જો પકડાયા તો તમારા પર કેસ થઈ શકે છે. એવી જ યહૂદી દેશ હોવાથી ભૂંડ પાળવાની અહીં મનાઈ છે. (૮) કૃષિક્ષેત્રે ઈઝરાયેલની પ્રગતિ દરેક દેશને ઈર્ષા કરાવે તેવી છે. અહીં છેલ્લા ૨૫ વર્ષમાં ખેતપેદાશોમાં સાત ગણો વધારો થયો છે. તેમાં પણ આશ્ચર્ય એ વાતનું છે કે, ઉત્પાદન વધવા છતાં પાણીનો ઉપયોગ ૨૫ વર્ષ પહેલા થતો હતો એટલો જ થઈ રહ્યો છે. (૯) અનાજના મામલે ઈઝરાયેલ સંપૂર્ણ સ્વાવલંબી છે. તે પોતાની જરૂરિયાતનું ૯૩ ટકા અનાજ પોતે જ પેદા કરે છે. (૧૦) અહીં દસમાંથી નવ ઘર સૌરઉર્જાનો ઉપયોગ કરે છે. (૧૧) શિક્ષણની વાત કરીએ તો, વસ્તીના હિસાબે સૌથી વધુ યુનિવર્સિટીઓ અહીં આવેલી છે. પ્રતિ દસ હજારની વસ્તીએ ૧૦૯ રિસર્ચ પેપર પ્રકાશિત થાય છે. જે દુનિયામાં સૌથી વધુ છે. આખા દેશમાં માત્ર ૪૦ જ બુક સ્ટોર છે. કેમ કે, સરકાર જ મોટાભાગના પુસ્તકો પહોંચાડે છે. અહીં છપાતા દરેક પુસ્તકની એક કૉપી જેવિશ યુનિવર્સિટી લાઈબ્રેરીમાં રાખવામાં આવે છે.(૧૨) આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગમાં પણ તે પાછળ નથી. પર્સનલ કમ્પ્યૂટરના ઉપયોગ મામલે તે દુનિયાભરમાં પ્રથમ ક્રમે છે. એકવીસમી સદીની સૌથી ક્રાંતિકારી શોધ મનાતો મોબાઈલ ફોન મોટોરોલા કંપનીએ સૌ પ્રથમ ઈઝરાયેલમાં જ બનાવ્યો હતો. આ સિવાય પ્રથમ પેંટિયમ ચિપ અને વોઈસ મેઈલ ટેકનિક પણ અહીં જ વિકસી હતી. અહીં છેલ્લે, ઈઝરાયેલની પ્રગતિની આ બધી વાતો વાંચતી વખતે એ યાદ રાખવું જોઈએ કે તેણે આ માટે ઘણો ભોગ આપ્યો છે.
http://sambhaavnews.com/

You might also like