આતંકવાદી હુમલામાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર મોશે મુંબઈમાં

મુંબઈ: ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતની છ દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમની સાથે નવ વર્ષ પહેલાં મંુબઈના ૨૬-૧૧ના આતંકી હુમલામાં પોતાનાં માતા-પિતા ગુમાવી દેનારો બાળક મોશે પણ મુંબઈ આવ્યો છે ત્યારે મોશેના દાદાએ જણાવ્યું હતું કે મોશે અહીં આવીને ઘણો ખુશ જણાય છે. મુંબઈ હવે પહેલાં કરતાં ઘણું સુરક્ષિત બની ગયું છે અને આજે તેના માટે ખાસ દિવસ છે તે બદલ હું ભગવાનનો આભાર માનું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઈઝરાયલની મુલાકાતે ગયેલા વડા પ્રધાન મોદીની મોશેએ મુલાકાત લીધી હતી ત્યારે તેણે ભારત આવવાની ઈચ્છા વ્યકત કરતાં મોદીએ તેને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તે આવતી કાલે પણ મુંબઈમાં રહેશે. જ્યારે ૧૮મીએ વડા પ્રધાન મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન સાથે મોશે પણ ચાબાડ હાઉસની મુલાકાત લેશે.

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા વખતે મોશે માત્ર બે વર્ષનો હતો અને તે વખતે તેનાં માતા અને પિતાનાં મોત થયાં હતાં જ્યારે તેનો બચાવ થયો હતો. બાદમાં તેને ભારતીય મૂળની આયા સૈન્ડ્રા સેમ્યુઅલ તેનાં દાદા-દાદી પાસે લઈ ગઈ હતી.

મોશેનાં દાદીએ જણાવ્યું હતું કે મોશેનો તેઓ તેનાં માતા-પિતા જેવો ઉછેર કરતાં હતાં તે રીતે જ એક પુત્ર તરીકે જ ઉછેર કરી રહ્યાં છે. બીજી તરફ જેરુસાલેમમાં વિકલાંગ બાળકોના રિહેબિલિટેશન સેન્ટરમાં કામ કરી રહેલ સૈન્ડ્રા સેમ્યુઅલ દર અઠવાડિયે મોશેને મળવા જાય છે અને તેને મળતાં જ મોશે ખુશીથી ઝૂમી ઊઠે છે.

રોજન બર્ગના જણાવ્યા અનુસાર જ્યારે તેનાં માતા અને પિતાનો ઉલ્લેખ થાય છે ત્યારે તે ભાવુક બની જાય છે, જોકે હવે નવ વર્ષ બાદ પહેલી વાર તે મુંબઈના ન‌િરમાન હાઉસ પહોંચશે.

You might also like