આખરે ટાપુના અસલી માલિક કોણ?

રાતા સમુદ્રમાં આવેલા બે નિર્જન ટાપુઓ કોર્ટમાં કેસનો મુદ્દો બન્યા. ઇજિપ્ત સરકારે બંને ટાપુઓ સાઉદી અરેબિયાને સોંપવાનો પક્ષ રાખ્યો હતો પરંતુ ઇજિપ્તના લોકો ટાપુ મુદ્દે સરકારની વિરુદ્ધમાં હતા. આખરે મામલો કોર્ટમાં જતાં કોર્ટે નિર્ણય આપ્યો કે બંને ટાપુઓ ઇજિપ્તની ટેરિટરીમાં જ રહેશે.આ નિર્ણય સાંભળતાની સાથે જ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે ચિચિયારીઓ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રાતા સમુદ્રમાં જોર્ડન તરફના અકાબા ખાડીના પ્રવેશદ્વાર પર આ ટાપુઓ આવેલા છે. સાઉદી અરેબિયાની અને ઇજિપ્ત સરકારનું કહેવું હતું કે આ ટાપુઓ સાઉદી અરેબિયાના છે. વર્ષ ૧૯૫૦માં રિયાધે કેરોને આ બંને ટાપુઓની સુરક્ષા કરવાનું કામ સોંપ્યું હતું. તેથી આ ટાપુઓ ઇજિપ્તના ક્ષેત્રમાં આવતા હતા. કોર્ટે આ ટાપુઓ સાઉદી અરેબિયાના હોવાના પુરાવા માગ્યા હતા પરંતુ ઇજિપ્ત સરકાર અને સાઉદી અરેબિયાના લોકો આ વાત પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

બંને ટાપુઓને સાઉદી અરેબિયાને સોંપવાની માગણીના મુદ્દે ઇજિપ્તવાસીઓ સરકાર પર રોષે ભરાયા હતા અને દેખાવો કર્યા હતા. આખરે કોર્ટે સમગ્ર મામલાને થાળે પાડ્યો. ઇજિપ્ત સરકારનું કહેવું છે કે બંને નિર્જન ટાપુઓની સુરક્ષામાં ઇજિપ્ત પર આર્થિક બોજ પડે છે અને આ ટાપુ હકીકતમાં સાઉદી અરેબિયાના છે. જોકે, કોર્ટમાં સાબિત નહીં થઇ શકવાને કારણે ઇજિપ્ત સરકાર કેસ હારી ગઇ. હારના સંદર્ભમાં ઇજિપ્ત સરકારનું કહેવું છે કે કોર્ટે જે નિર્ણય આપ્યો છે તેના કારણે સાઉદી અરેબિયા અને ઇજિપ્ત વચ્ચેના સંબંધો ખાટા થવાની શક્યતા રહેલી છે.

http://sambhaavnews.com/

You might also like