ઈસ્કોન બ્રિજ પર નવી નક્કોર સ્કોર્પિયો પલટી ખાઈ ગઈ

અમદાવાદ: અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માતનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે ગઇ કાલે રાતે સરખેજથી ગાંધીનગર તરફ જઇ રહેલી નવી નક્કોર સ્કોર્પિયો કારે અચાનક પલટી ખાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારચાલક તથા તેનો મિત્ર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. ટ્રાફિક એન ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર સરખેજ ગાંધીનગર હાઇવે પર ગઇ કાલે મોડી રાતે એક સ્કોર્પિયો કાર પલટી ખાઇ ગઇ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નંબર પ્લેટ વગરની નવી નક્કોર સ્કોર્પિયો કાર સરખેજથી ગાંધીનગર તરફ પૂર ઝડપે જઇ રહી હતી તે સમયે ઇસ્કોન બ્રિજ પાસે સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં કારચાલક તથા તેનો મિત્રના થયેલા ચમત્કારિક બચાવ બાદ ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બંને યુવાનોને ગાડીની બહાર કાઢ્યા ત્યારે તેઓ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ રહ્યું છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર કબજે કરી કારચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

You might also like