ફિફા વિશ્વકપ ૨૦૧૮માં આતંકી સંગઠન ISISએ ધમકીભર્યું પોસ્ટર જારી કર્યું

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ISISએ આગામી વર્ષે રશિયામાં યોજાનારી ફિફા વિશ્વકપ ફૂટબોલ ટૂર્નામેન્ટને લઈને ધમકીભર્યું પોસ્ટર જારી કર્યું છે. આતંકી સંગઠને વિશ્વકપનાં નિશાન બનાવીને એક પોસ્ટર જારી કર્યું છે, જેમાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી જોવા મળી રહ્યો છે અને તે લોહીનાં આંસુ વહાવી રહ્યો છે.

આ પોસ્ટર પરથી સ્પષ્ટ ધમકી મળી રહી છે કે ફૂટબોલ મહાકુંભ આતંકવાદીઓના નિશાન પર છે. મેસીનું આ પોસ્ટર ISIS ગ્રૂપના વાફા મીડિયા ફાઉન્ડેશને જારી કર્યું છે. પોસ્ટરમાં મેસી સળિયા પાછળ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ રણનીતિ રશિયામાં આગામી વર્ષે યોજાનારા ફૂટબોલ મહાકુંભ પહેલા આતંકવાદી સંગઠન દ્વારા ડર ફેલાવવાની રણનીતિ અપનાવાઈ રહી છે.

ફિફા વિશ્વકપ તા. ૧૪ જૂનથી ૧૫ જુલાઈ – ૨૦૧૮ દરમિયાન રશિયાનાં ૧૧ શહેરોમાં આયોજિત થવાનો છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મોસ્કોના લુજ્નિકી સ્ટેડિયમમાં રમાશે. એક મહિના સુધી ચાલનારા આ આયોજનમાં વિશ્વભરમાંથી હજારો ફૂટબોલ પ્રેમીઓ રશિયા પહોંચવાની ધારણા છે.

You might also like