રક્કામાં આઈએસ આતંકીએ પોતાની માતાની હત્યા કરી

લંડન: આતંકી જૂથ આઈએસ કેટલી હદ સુધી જઈ શકે છે તે દર્શાવતી એક આઘાતજનક ઘટનામાં એક આતંકીએ પોતાની માતાની સેંકડો લોકોની હાજરીમાં જાહેરમાં હત્યા કરી નાખી હતી, કારણ કે તેની માતા તેને વારેઘડીએ આઈએસ આતંકી જૂથ છોડી દેવા કહેતી હતી.  એક્ટિવિસ્ટ જૂથ ‘રક્કા ઈઝ બીઈંગ સ્લોટર્ડ સાઈલેન્ટલી’એ જણાવ્યું હતું કેઆઈએસના મુખ્ય ગઢ ગણાતા સીરિયાના રક્કા શહેરમાં આઈએસના લડાકુ ૨૦ વર્ષીય અલી સકર અલ-કાસમે પોતાની ૪૫ વર્ષીય માતા લેનાની જાહેરમાં હત્યા કરી દીધી હતી.

મૂળે અલ તબાકા શહેરની અને ચાલીસી વટાવી ચૂકેલી આ મહિલા જ્યાં નોકરી કરતી હતી તે પોસ્ટ ઓફિસના બિલ્ડીંગ નજીક સેંકડો લોકોની હાજરીમાં તેની હત્યા કરવામાં આવી હતી.  આઈએસએ આ મહિલાની ‘ધરપકડ’ કરી હતી અને તેના પર ધર્મત્યાગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોતાના પુત્રને આઈએસ છોડી દેવા અને ત્યાંથી સાથે નાસી છૂટવા માટે ઉશ્કેરવા બદલ તેની હત્યા કરવામાં આવી હતી. આ મહિલાએ તેના પુત્રને એમ પણ કહ્યું હતું કે સંયુક્ત દળો આઈએસના તમામ સભ્યોને મારી નાખશે.

બ્રિટન ખાતેના સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે અલી સકર પોતાની માતાને તેના આઈએસના વડાઓ પાસે લઈ ગયો હતો. તેમણે આ મહિલાને ફાંસીની સજા સંભળાવી હતી અને તેની હત્યા કરવા તેને આદેશ આપ્યો હતો. જોકે, પોતાની માતાની હત્યા કરવાનું કામ તેના જ પુત્રને શા માટે સોંપવામાં આવ્યું તે હજુ જાણી શકાયું નથી.  આઈએસએ સીરિયા અને ઈરાકના વિસ્તારો કબજે કર્યા પછી માથું વાઢી નાખવાની અને જાહેરમાં મૃત્યુદંડ આપવાની અને ઓનલાઈન જેહાદી ફોરમ પર તેની વીડિયો પોસ્ટ કરવા માટે શૂટિંગ કરવાની બાબતમાં પ્રતિષ્ઠા મેળવી છે.

You might also like