માથું વાઢતો અાઈએસનો જેહાદી જોન માર્યો ગયો

નવી દિલ્હી: અમેરિકી અધિકારીઓને એ વાતનો વિશ્વાસ છે કે આઇએસનો આતંકી જેહાદી જોન માર્યો ગયો છે. નકાબ પહેરીને કેટલાય વીડિયોમાં બંધકોનું માથું કાપી નાખનાર આ આતંકીને આઇએસનો કસાઇ કહેવામાં આવતો હતો. તેને નિશાન બનાવીને અમેરિકી સેનાઓએ ગઇ કાલે હવાઇ હુમલા કર્યા હતા. અમેરિકી રક્ષા મંત્રાલય અને સૈન્ય અધિકારીઓએ અત્યાર સુધી જોકે જેહાદી જોનના મૃત્યુની વાતને સમર્થન આપ્યું નથી.

રક્ષા મંત્રાલયના પ્રેસ સચિવ પીટર કૂકે કહ્યું કે રક્કામાં ૧૨ નવેમ્બર, ૨૦૧૫ના રોજ અમેરીકી સેનાએ હવાઇ હુમલા કર્યા. આ હુમલામાં નિશાન પર મોહમ્મદ એમજાવી હતો, જેને જેહાદી જોનના નામથી ઓળખવામાં આવે છે. અેમજાવી એક બ્રિટીશ નાગ‌િરક હતો. તે બ્રિટનમાં રહેતો હતો. તે બ્રિટનમાં જ મોટો થયો, પરંતુ બાદમાં આતંકી સંગઠન આઈએસમાં સામેલ થઇ ગયો. તે અમે‌િરકી પત્રકાર સ્ટીવન સટલોફ અને જેમ્સ ફોલીની હત્યાવાળા વીડિયોમાં જોવા મળ્યો હતો. જોનના મૃત્યુને હજી કોઇ સમર્થન મળ્યું નથી, પરંતુ એક સિનિયર સૈન્ય અધિકારીએ જણાવ્યું કે હુમલામાં કોઇ ભૂલ થઇ નથી, જેમાં કોઇ પણ નાગરિકને નુકસાન પહોંચાડ્યા વગર એમજાવીનો સફાયો કરાયો છે. યુએસ મિલિટરીના એક સોર્સે જણાવ્યું કે એમક્યુ૯ રીપર ડ્રોનથી ગુરુવારે રાત્રે ૯ વાગે ૫૦ મિનિટનો હુમલો કરાયો હતો.

બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરુને સ્ટેટમેન્ટ જારી કરીને જણાવ્યું કે જેહાદી જોન પર કરાયેલો હુમલો સફળ રહ્યો છે. જેહાદી જોન પર કરાયેલો હુમલો એક્ટ ઓફ સેલ્ફ ડિફેન્સ ગણાવ્યો છે. યુએસ મિલિટરીએ ગુરુવારે રક્કા શહેરમાં ડ્રોનથી જેહાદી જોનની ગાડીને નિશાન બનાવી.
કોણ છે જેહાદી જોન?

જેહાદી જોનની ઓળખ ૨૭ વર્ષીય મોહમ્મદ એમવાજી તરીકે થઇ હતી. તે બ્રિટનમાં રહેતો કુવૈતી વ્યક્તિ હતો. તે કમ્પ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએટ હતો. તેની ઓળખ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઇ હતી. ૨૦૧૩માં તે આઇએસમાં સામેલ થવા પહોંચ્યો હતો. તે આઇએસ તરફથી જારી કરાયેલા સાત વીડિયોમાં દેખાઇ ચૂક્યો છે.

You might also like