આજે આઇએસ અપહૃત ફાધર ટોમને શૂળી પર લટકાવી દેશે

નવી દિલ્હી: યમનના એક ઓલ્ડ એજ હોમમાંથી ચોથી માર્ચે અપહરણ કરવામાં આવેલા ભારતીય પાદરીને લઇને ચિંતા વધુ ઘેરી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ગુડ ફ્રાઇડેના દિવસે ખુંખાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ અપહૃત ફાધર ટોમ ઉજહુનાલીલને વધસ્થંભ પર (શૂળી પર) લટકાવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર માર્ચના રોજ અપહરણ થયા બાદ ભારતીય પાદરી ફાધર ટોમનો કોઇ પત્તો નથી. જોકે વિદેશ મંત્રાલય તેમની ભાળ મેળવવા તમામ કોશિશ કરી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે ચોથી માર્ચના રોજ પાદરી ફાધર ટોમના અપહરણ વખતે આઇએસના આતંકીઓએ ૧૬ લોકોને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેમાં ચાર ખ્રિસ્તી નનનો પણ સમાવેશ થતો હતો. જ્યારે ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમના અહેવાલ અનુુસાર ફાધર ટોમને ક્રૂસિફાઇડ (શૂળી પર ચડાવવા) કરવામાં આવશે.

ફ્રાન્સિસીસેન સિસ્ટર્સ ઓફ સિસેને રવિવારે ફેસબુક ઉપર એક મેસેજ પોસ્ટ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફાધર ટોમને ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે અને તેમને એવી દહેશત છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ફાધરને શૂળી પર ચડાવી દેવામાં આવશે. આ મેસેજમાં ફાધર ટોમ માટે એક પ્રેયર કરવાની પણ વાત કરવામાં આવી છે.

You might also like