અમેરિકાએ ભારતમાં ISના ચીફ રિક્રૂટર અરમરને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કર્યો

નવી દિલ્હી: ભારતમાં ખોફનાક આતંકી સંગઠન આઇએસ માટે ભરતી કરનાર મોહંમદ શફી અરમર (ઉં.વ.૩૦)ને અમેરિકાએ ગ્લોબલ ટેરરિસ્ટ એટલે વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. ભારત માટે આઇએસના આ ચીફ રિક્રૂટર મોહંમદ શફી અરમરને અમેરિકા દ્વારા ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો નિર્ણય એક મોટી સિદ્ધિ છે.

કર્ણાટકના ભટકલનો રહેવાસી આ આતંકી ભારત અને પડોશી દેશોમાંથી (ઇન્ડિયા સબ કોન્ટિનેન્ટ) આઇએસમાં યુવાનોની ભરતી કરે છે અને હાલ ભારતમાંથી ફરાર છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે તેણે મોહંમદ શફી અરમર, ઓસામા અહેમદ અતાર અને મોહંમદ ઇસા યુસુફ સાકર અલ બિલાનીનો સ્પેશિયલ ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (એસડીજીટી)ની યાદીમાં સમાવેશ કર્યો છે અને આ સાથે જ તેમની વિરુદ્ધ પ્રતિબંધ મૂકવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

આમ અમેરિકી વિદેશ વિભાગે નવેમ્બર ર૦૧પના પેરિસ હુમલા અને માર્ચ ર૦૧૬ના બ્રસેલ્સ હુમલાનાકો.ઓર્ડિનેટરને પણ પ્રતિબંધિત જાહેર કર્યો છે. મોહંમદ શફી અરમરનું નામ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રડાર પર પ્રથમવાર ર૦૧૧માં આવ્યું હતું. એ વખતે મોહંમદ શફી અરમર અને તેનો ભાઇ સુલતાન ઇન્ડિયન મુજાહિદ્દીનમાં હતા અને પાકિસ્તાનમાં રહેતા હતા.

આઇબી અને સ્પેશિયલ સેલે દરભંગાથી ઇન્ડિયન મુજાહિદ્દીનના શકમંદ આતંકીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી મોહંમદ શફી અરમર અંગે પ્રથમ વખત બાતમી મળી હતી. અે વખતે તેણે આઇએમ તરફથી આ યુવાનોનું ઓનલાઇન બ્રેઇન વોશ કર્યું હતું. મોહંમદ શફી અરમર આજકાલ ભારત માટે આતંકવાદનો સૌથી મોટો ચહેરો બની ચૂકયો છે. પાછળથી અરમર બ્રધર્સ આઇએમ છોડીને સિરિયા જઇને આઇએસમાં જોડાઇ ગયા હતા. અરમર વિરુદ્ધ ઇન્ટરપોલ પણ રેડકોર્નર નોટિસ જારી કરી ચૂકયું છે. મોહંમદ શફી અરમર છોટે મૌલા, અન્જાનભાઇ અને યુસુુફ અલ હિંદી જેવા ઉપનામથી ઓળખાય છે.
http://sambhaavnews.com/

You might also like