સિરિયામાં ISના વડા અબુ બકર અલ બગદાદીના પુત્ર અલ બદરીનું મોત

બેરૂત: કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના વડા અબુ બકર અલ બગદાદીનો પુત્ર અલ બદરી તાજેતરમાં સિરિયાના હોમ્સ પ્રાંતના થર્મલ પાવર પ્લાન્ટ પર સિરિયા અને રશિયાની સેનાએ કરેલા હુમલામાં ઠાર માર્યો ગયો છે.

આઈએસની સમાચાર સંસ્થા અમાકે અલ બદરીનું સેનાના હુમલામાં મોત થયાની જાહેરાત કરી છે. સમાચાર સંસ્થાએ અલ બદરીની રાઈફલ સાથેની તસવીર પણ રજૂ કરી છે. અમાકે વધુમાં જણાવ્યું હતું કે એક સમયે સિરિયા અને ઈરાકના એક તૃતીયાંશ ભાગ પર આઈએસનો કબજો હતો.

આઈએસએ ૨૦૧૪માં તેના પ્રભાવવાળા વિસ્તારમાં ખલીફા શાસન જાહેર કર્યું હતું, જોકે બાદમાં ધીમે ધીમે આ વિસ્તારમાં આ આતંકવાદી સંગઠનની પકડ ઢીલી પડતાં હવે આ વિસ્તારમાં તેનું જોઈએ તેવું પ્રભુત્વ રહ્યું નથી. અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધનના સહયોગથી ઈરાકી દળોએ ગત વર્ષના ડિસેમ્બરમાં ઈરાકમાં આઈએસની વિરુદ્ધ પોતાના વિજયની જાહેરાત કરી હતી. જ્યારે બીજી તરફ સિરિયામાં પણ આઈએસનો હવે માંડ ત્રણ ટકા વિસ્તારમાં જ પ્રભાવ જોવા મળે છે.

આઈએસનો વડો બગદાદી હજુ પણ જી‌િવત છે
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના વડા અબુ બકર અલ બગદાદી માર્યા ગયા અંગેના અનેક વાર સમાચાર પ્રકટ થઈ ચૂક્યા છે, પરંતુ એક માહિતી અનુસાર બગદાદી હજુ જી‌િવત છે. આ અંગે ઈરાકની ગુપ્તચર સંસ્થાના એક અધિકારીએ ગત મે માસમાં જણાવ્યું હતું કે બગદાદી સિરિયાઈ વિસ્તારમાં ક્યાંક છુપાયો છે.

તેની સાથે ઈરાકી મૂળના આતંકીઓનું એક જૂથ રહે છે. તેનો આખરી ઓડિયો સંદેશ ગત સપ્ટેમ્બરમાં બહાર આવ્યો હતો. બગદાદીને ધરતીનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેના માથે અઢી કરોડ ડોલર (લગભગ ૧૭૧ કરોડ રૂપિયા)નું ઈનામ પણ જાહેર કર્યું છે. બગદાદીની પહેલી પત્નીનાં ચાર બાળકો અને બીજી પત્નીનો એક પુત્ર છે.

You might also like