મુંબઈ બાદ પુણે, પુષ્કરની પણ રેકી કરી હતીઃ હેડલી

મુંબઈ: ૨૬/૧૧ના મુંબઈ ત્રાસવાદી હુમલા કેસમાં આતંકી ડેવિડ કોલમેન હેડલીની અમેરિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં પાંચમા દિવસે જુબાની ચાલી રહી છે. ડેવિડ હેડલીએ આજે એવો પર્દાફાશ કર્યો હતો કે મુંબઈ હુમલા બાદ માર્ચ ૨૦૦૯માં તે મહારાષ્ટ્રના પુણે અને રાજસ્થાનના પુષ્કર પણ ગયો હતો અને ત્યાંના લશ્કરી સંસ્થાનોની રેકી કરી હતી અને તેના વીડિયો પણ તૈયાર કર્યા હતા.

હેડલીએ એક દિવસ પહેલાં જ ખુલાસો કર્યો હતો કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા બાદ તે અલ કાયદા માટે કામ કરવા લાગ્યો હતો. દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજ પણ અલ કાયદાના નિશાન પર હતી. હેડલીએ એવી પણ કબૂલાત કરી હતી કે ત્રાસવાદીઓને કરાચીથી બધી સૂચનાઓ મળી રહી હતી.ત્રાસવાદીઓ ભારતીય મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા.

હેડલીએ વધુમાં જણાવ્યું હતું કે સા‌િજદ મીરે મને એક ભારતીય ફોન આપીને જણાવ્યું હતું કે વાઘા બોર્ડર સુધી જઈને ચેક કરી લે કે આ ફોન ત્યાં કામ કરે છે કે નહીં. ૨૬/૧૧ના હુમલા કેસમાં સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જ્યારે હેડલીને કસાબનો ફોટો બતાવ્યો ત્યારે તેણે ‘અલ્લા રહમ કરે’ એ‍વા શબ્દો ઉચ્ચાર્યા હતા. ઉજ્જવલ નિકમના એક સવાલ પર હેડલીએ જણાવ્યું હતું કે હા, હું મુંબઈ હુમલા બાદ અલ કાયદાનો ઓપરેટિવ બની ગયો હતો અને અલ કાયદાના નિશાન પર દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજ પણ હતી.

હેડલીએ જણાવ્યું હતું કે મારી પત્ની ફૈઝા એક વાર હા‌િફઝ સઈદને મળવા ગઈ હતી. તેણે હા‌િફઝને કહ્યું હતું કે તમે હેડલીને મનાવો કે જેથી મને તે ફરીથી પત્ની તરીકે અપનાવી લે. મેં ફૈઝાને અગાઉથી તલ્લાક આપી દીધા હતા. હેડલીએ જણાવ્યું હતું કે આ માટે હા‌િફઝ સઈદે મને વાતચીત કરવા પણ બોલાવ્યો હતો.

You might also like