જૈશની મદદથી ભારત પર આતંકી હુમલા કરાવવાની ISIની સાજિશ

નવી દિલ્હીઃ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ભારત પર ત્રાસવાદી હુમલા કરાવવા માટે એક નવી તરકીબ શોધી કાઢી છે. આઈએસઆઈએ જૈશ-એ-મોહમ્મદના બે ખતરનાક જૂથોને અંદરોઅંદર એ વાત માટે ભીડાવી દીધાં છે કે બંનેમાંથી કોણ ભારત પર સૌથી મોટો ખતરનાક ત્રાસવાદી હુમલો કરી શકે છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓને તપાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે મધ્ય ડિસેમ્બરમાં દિલ્હી પર નિષ્ફળ હુમલાની સાજિશ, ૨ જાન્યુઆરીના રોજ પઠાણકોટ એરબેઝ પર થયેલ આતંકી હુમલો અને અફઘાનિસ્તાનમાં જાન્યુઆરી અને માર્ચમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને મિશન પર થયેલા હુમલાની પેટર્ન એક સરખી છે.
આ તમામ હુમલા પર ત્રાસવાદી સંગઠન જૈશના બે જૂથોની છાપ જોવા મળે છે. આ બે સંગઠનનાં નામ જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) અને જૈશ-ઉલ-હક્ક (જેયુએચ) છે. ગત િડસેમ્બરમાં િદલ્હીને સળગાવવા માટે જૈશ દ્વારા નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાના અહેવાલનો એક અખબારે પર્દાફાશ કર્યો છે.
સૂત્રોનું કહેવું છે કે આઈએસઆઈ જૈશનાં બંને જૂથોને એક બીજા વિરુદ્ધ ભડકાવી રહી છે કે ભારતીય સંસ્થાનો પર હુમલા કરીને કોણ પોતાની વધુ ઉપયોગિતા સાબિત કરી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડો મૌલાના મસૂદ અઝહર છે તો જૈશ-ઉલ-હક્કનો વડો મૌલાના અબ્દુલ રહેમાન છે. આ બંને ૧૯૯૯ના આઈસી-૮૧૪ હાઈજેકિંગ કેસમાં સંડોવાયેલા હતા. રહેમાને હાઈજેકિંગ કરાવ્યું હતું તો અઝહરને યાત્રિકોઓના બદલામાં છોડી મૂકવામાં આવ્યો હતો.

You might also like