મોબાઇલ એપ દ્વારા ISI કરી રહ્યું છે ભારતીય સુરક્ષાદળની જાસુસી

નવી દિલ્હી : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મોબાઇલ ગેમિંગ અને મ્યૂઝિકલ એપ્લીકેશન દ્વારા ભારતીય સુરક્ષાદળોની જાસુસી કરી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં આ વાતની જાણકારી આપી હતી. લોકસભામાં ગૃહરાજ્યમંત્રી હરિભાઇ ચૌધરીએ એક સવાલનાં જવાબમાં કહ્યું કે આઇએસઆઇ, ટોપ ગન, એમપીજંકી, વીડીજંકી અને ટોકિંગ ફ્રોગ જેવી એપ્લીકેશનની મદદ લઇ રહ્યું છે. મંત્રીએ જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ રોજગાર આપવાનાં બહાને અને આર્થિક મદદનાં નામે પૂર્વ સૈનિકોને જાસુસીની જાળમાં ફસાવે છે.

મંત્રીએ જણાવ્યું કે એવા અહેવાલો છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ મોબાઇલ એપ દ્વારા વાયરસ મોકલીને ભારતીય સુરક્ષા દળો પર ધ્યાન રાખી રહ્યું છે. આ મોબાઇલ એપ્સમાં ટોપ ગન (ગેમ એપ) એમપીજંકી (મ્યૂજીક એપ), વીડીજંકી (વીડિયો એપ) અને ટોકિંગ ફ્રોગ (એન્ટરટેઇમેન્ટ એપ)નો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2012-13 દરમિયાન આઇએસઆઇનાં માટે જાસુસી કરવાનો આરોપમાં સાત પૂર્વ સૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે ભારતીય સુરક્ષા દળોને આ અંગે જાણ કરવામાં આવી છે કે આઇએસઆઇ શંકાસ્પદ સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા જાસુસીનાં કામને પાર પાડે છે. તેમણે જણાવ્યું કે તેનાં ઉપરાંત સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને કમ્પ્યુટર સુરક્ષાનીતિ અંગેનાં વિવિધ આદેશો બહાર પાડ્યા છે. ભુતપુર્વ તથા હાલમાં કાર્યરત આર્મી જવાનો તથા અન્ય સુરક્ષા મંત્રાલયો સાથે સંકળાયેલા કર્મચારીઓને દિશાનિર્દેશન આપી રહ્યા છે.

You might also like