આઇએસઆઇએ મસૂદ અઝહરને રાવલપિંડીથી બહાવલપુર શિફ્ટ કર્યો: સુરક્ષા પણ વધારાઈ

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ‘સેફ ઝોન’માં શિફ્ટ કરીને છૂપાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અઝહરને ૧૭-૧૮ ફેબ્રુઆરી દરમિયાન રાવલપિંડીથી બહાવલપુર નજીકના કોટઘાની ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આઈએસઆઈ દ્વારા તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

સૂત્રોનો દાવો છે કે, જ્યારે પુલવામા આતંકી હુમલો થયો ત્યારે મસૂદ અઝહર રાવલપિંડી ખાતે આર્મીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. ભારતે પુલવામા હુમલા બાદ બદલો લેવાની ધમકી આપતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા દળોના હાથ ખોલી નાખતાં મસૂદ અઝહર અને પાકિસ્તાન ગભરાઈ ગયાં હતાં. આઈએસઆઈએ તાત્કાલિક ધોરણે અઝહરને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. આખરે તેને સુરક્ષિત ગણાતા કોટધાની ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે, મસૂદ અઝહર હિઝબુલના વડા સૈયદ સલાઉદ્દીન સાથે પણ મુલાકાત કરી હતી. બંને આતંકી વડાઓ વચ્ચે થયેલી આ બેઠકમાં એકબીજાને મદદ કરીને ફરીથી મજબૂત થવાની યોજના પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય ચે કે, મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક છે. ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ દેશભરમાંથી પાકિસ્તાન સામે બદલો લેવાની માગણી ઊઠી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુલવામા હુમલા બાદ આતંકીઓને છોડવામાં નહીં આવે તે સ્પષ્ટપણે કહ્યું હતું.

You might also like