ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

728_90

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા ગુપ્ત રિપોર્ટ અનુસાર આઇએસઆઇએ જ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પર હુમલાની યોજના બનાવી હતી, જેને અંજામ હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મોહંમદ જેવાં આતંકવાદી સંગઠન આપી રહ્યાં છે.

આઇએસઆઇની યોજના છે કે પોલીસ વિરુદ્ધ બર્બર હિંસા કરીને તેનો પ્રચાર કરે, જેથી ડરનો માહોલ ઊભો થાય. આઇએસઆઇ અને આતંકી સંગઠનની ચિંતા છે કે પંચાયત ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધી જશે તો તેમનું અસ્તિત્વ જ ખતમ થઇ જશે. તેઓ પહેલાંથી સુરક્ષા દળોના નિશાન પર છે.

સુરક્ષા એજન્સીઓનું કહેવું કે આતંકીઓ સતત પોલીસકર્મીઓ પર હુમલા કરીને તેમની બેચેની બતાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં તહેનાત સેનાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે આતંકીઓ આ બધી હરકતો ચિંતામાં કરી રહ્યા છે, કેમ કે તેનો કોઇ પણ સંજોગોમાં લોકલ સપોર્ટ હાથમાંથી જવા દેવા ઇચ્છતા નથી.

સેેનાના એક સિનિયર અધિકારીએ એમ પણ જણાવ્યું કે આતંકીઓની સ્થાનિક લોકોને ધમકાવવા માટે પોલીસકર્મીઓનું અપહરણ કરવાની કે તેમની હત્યા કરવાની રણનીતિ તેમની જ વિરુદ્ધ જશે, તેનાથી આતંકીઓનો લોકલ સપોર્ટ ઘટશે, જેને મેળવવા માટે તેઓ તડપી રહ્યા છે.

આતંકીઓ આ પ્રકારની હરકતોથી ડર ઊભો કરવાની કોશિશ કરશે તેેમ તેમ લોકલ લોકો તેમનાથી દૂર થશે અને સુરક્ષા એજન્સીઓ પર વધુ ભરોસો કરવા લાગશે.

પંચાયતની ચૂંટણીઓ પહેલાં આતંકીઓની આ નાપાક હરકત પાછળ એવો હેતુ પણ માનવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ઇન્ટરનેશનલ ફોરમમાં લાવવા ઇચ્છે છે.

You might also like
728_90