ઈશરત કેસઃ ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૦૯ની ફાઈલોની તપાસ શરૂ

નવી દિલ્હી: ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસમાં વિવાદ વધુ વકરતાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બાબતમાં તપાસ શરૂ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે ઓગસ્ટ – સપ્ટેમ્બર ૨૦૦૯ની કેટલીક મહત્ત્વની ફાઈલો બહાર કાઢીને તપાસ શરૂ કરી દીધી છે. આ સમયગાળમાં જ બે એફિડેવિટમાં ફેરફાર કરાયાનો આક્ષેપ કરાયો છે.

આ ફાઈલોના ઓપરેટિવ પાર્ટમાં જણાવાયું છે કે ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ તત્કાલિકન ગૃહ સચિવ જી. કે પિલ્લઈએ બીજા એફિડેવિટ પર એટર્ની જનરલનો અિભપ્રાય મેળવ્યા બાદ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ પાસે મંજૂરી માટે ફાઈલ મોકલી આપી હતી.

આ ફાઈલ પર પિલ્લઈએ લખ્યું હતું કે એફિડેવિટની ચકાસણી એટર્ની જનરલે કરી લીધી છે. ગૃહપ્રધાન તેના પર મંજૂરી આપી શકે છે. આ ફાઈલ પર ચિદમ્બરમે લખ્યું હતુ કે સુધારા કર્યા મુજબ. ૨૪ સપ્ટેમ્બરે સવારે કોર્ટમાં મોકલતાં પહેલાં તેમની ક્લિયર કોપી બતાવવી.

સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ પિલ્લઈએ લખ્યું હતું કે હોમ મિનિસ્ટરને ક્લિયર કોપી બતાવવામાં આવી. તેને ફાઈલ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે. કાયદા સચિવ અને એટર્ની જનરલની જાણ સારુ કોપી મોકલવામાં આવે.

એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતું કે એટર્ની જનરલ એ વખતે શહેર બહાર હતા. નોંધ પરથી એવી ખબર પડી છે કે પિલ્લઈએ એફિડેવિટમાં કરેલા ફેરફારનો વિરોધ કર્યો ન હતો. જોકે આ માટે ટિપ્પણી કરવા પિલ્લઈનો સંપર્ક થઈ શક્યો નથી.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ફાઈલ નોટિંગ પરથી એ પણ સ્પષ્ટ થયું છે કે તત્કાલિન ગૃહપ્રધાને બીજા એફિડેવિટમાં કરવામાં આવેલા ફેરફારો અંગે કાયદા મંત્રાલયે કે ગૃહમંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી ન હતી. ૨૦૦૯ની બે એફિડેવિટ અને આઈબી તેમજ રો સહિત અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે થયેલા પત્રવ્યવહારની ચકાસણી પરથી એવો પણ ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના પોલીસમાં ઈનપુટ્સ એવું જણાવે છે કે ઈશરતનો મોડ્યૂલ લશ્કર એ તોઈબાનો એજન્ટ હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે આઈબી, રો અને પોલીસ પાસે આ વાતના પાકા પુરાવા હતા કે ઈશરત લશ્કરે એ તોઈબા સાથે કનેકશન ધરાવતી હતી.

You might also like