ઇશરત આતંકી હોવાના IBના ઇનપુટ સાચા હતાઃ સુધીર કુમાર

નવી દિલ્હી: ઈશરત જહાં એન્કાઉન્ટ કેસમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ કેસના તત્કાલીન ઈન્ટેલિજન્સ બ્યૂરોના સ્પેશિયલ ડાયરેક્ટર (વેસ્ટ ઝોન) સુધીર કુમારે જણાવ્યું છે કે ઈશરત જહાંના લશ્કર-એ-તોઈબા સાથેના કનેકશન અંગે મળેલ આઈબી ઈનપુટ સાચા હતા. આ ઈનપુટ ત્યારે ગુજરાત સરકારને મોકલવામાં આવ્યા હતા. આ અગાઉ બે પૂર્વ ગૃહસચિવે પણ આ કેસ પર રાજકીય દબાણ અને તત્કાલીન ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે સીધી દખલ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

મને સિગારેટના ડામ દીધા હતાઃ આરવીએસ મણી
ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આરવીએસ મણીએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે ‌સિટના વડા સતીશ વર્માએ મને ખૂબ ટોર્ચર કર્યું હતું. તેમણે એટલી હદ સુધી દાવો કર્યો છે કે એફિડેવિટ બદલવા માટે વર્માએ મને સિગારેટના ડામ આપ્યા હતા અને સીબીઆઈ અધિકારીઓ મારો પીછો કરતા હતા. હું દિલ્હીના એક સાઉથ ઈન્ડિયન મંદિરમાં જતો હતો. સીબીઆઈની એક મહિલા અધિકારી મંદિર સુધી મારો પીછો કરતી હતી.

આઈબી પર રાજકીય દબાણ
દરમિયાન આઈબીના સ્પેશિયલ ડાયરેક્ટર સુધીર કુમારે જણાવ્યું છે કે ઈશરત જહાંના લશ્કર-એ-તોઈબા સાથેના કનેકશન અંગેના ઈનપુટથી સરકાર ચોંકી ઊઠી છે. આ દરમિયાન આ કેસની રાજકીય પ્રેરિત તપાસથી આઈબીના અધિકારીઓના મનોબળ પર અસર પડી હતી. તેમણે જણાવ્યું હતું કે આઈબીની ટોચની નેતાગીરી અને સરકારને કારણે આતંક વિરોધી અભિયાનને નીચું જોવું પડ્યું હતું. આતંકવાદ પર રાજકારણના લીધે આતંકવાદ સામે લડતું તંત્ર નબળું પડી ગયું હતું.

હેડલીના સમર્થનની જરૂર ન હતીઃ સુધીર કુમાર
સુધીર કુમારે વધુમાં જણાવ્યું હતું કે ઈશરત જહાંના લશ્કર-એ-તોઈબાના કનેકશન અંગે હેડલીના સમર્થનની કોઈ જરૂર ન હતી. અમને અનેક સ્રોત દ્વારા આ વાતની જાણકારી મળી હતી. ઈશરત જહાં અને લશ્કર-એ-તોઈબાના મોડ્યુલ બંનેનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. આઈબીના તત્કાલીન જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ ઈશરત કેસમાં વધુ સારી કામગીરી કરી હતી, પરંતુ અમને ખોટી રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.

ચિદમ્બરમે મરજી મુજબ એફિડેવિટ કરાવી હતીઃ પિલ્લઈ
આ અગાઉ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ્નાં રાજકીય નિવેદનો બાદ ગૃહસચિવ જી. કે. પિલ્લઈએ ફરી વાર આ કેસમાં ધડાકો કરતાં જણાવ્યું હતું કે ચિદમ્બરમે ગૃહપ્રધાન તરીકે ઈશરત કેસમાં મને બાયપાસ કરીને પોતાની મરજી મુજબ એફિડેવિટ તૈયાર કરાવી હતી અને પછી આ એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

ચિદમ્બરમે એફિડેવિટ ડિક્ટેટ કરાવી હતી
પિલ્લઈએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૯માં ચિદમ્બરમે આઈ.બી.ના મારાથી જુનિયર અધિકારીઓને બોલાવીને એફિડેવિટને ફરીથી લખાવી હતી. ચિદમ્બરમ સ્વયં ડિટેકશન આપીને એફિડેવિટ લખાવતા હતા અને ત્યારે કોઈએ તેમની સામે કોઈ અવાજ કર્યો ન હતો. પિલ્લઈએ જણાવ્યું હતું કે આ માટે ચિદમ્બરમે ગૃહસચિવ કે આઈબીને ગણાવવા જોઈએ નહીં.

એફિડેવિટ બદલવામાં આવી હતીઃ આર.કે. સિંહ
પિલ્લઈ બાદ ગૃહસચિવ બનેલા આર.કે. સિંહે પણ એ વાતને સમર્થન આપ્યું હતું કે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં એફિડેવિટ બદલાવવામાં આવી હતી. એફિડેવિટમાં પ્રથમ વખત એવો ઉલ્લેખ કરાયો હતો કે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ઈશરત અને તેના ત્રણ સાગરીતો લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલા હતા, પરંતુ પાછળથી આ હકીકત ગાયબ કરી દેવામાં આવી હતી.

ભાજપના સાંસદ આર.કે. સિંહે જણાવ્યું હતું કે આઈબીના કહેવા છતાંય એફિડેવિટમાં રાજકીય કારણસર ફેરફાર કરવામાં આવ્યો હતો. દરમિયાન આ બધા ઘટસ્ફોટના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તમામ ફાઈલોની ફરીથી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.

હેડલીની પૂછપરછ અંગે સિટને જાણ કરાઈ ન હતી
મેલ ટુડેના એક અહેવાલમાં જણાવાયું છે કે યુપીએ સરકાર દરમિયાન એન.આઈ.એ. દ્વારા મુંબઈ હુમલાના આરોપી ડેવિડ હેડલીની ૨૦૧૦માં શિકાગો ખાતે પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે પણ હેડલીએ ઈશરત જહાં અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે લશ્કર-એ-તોઈબાની આતંકી હતી, પરંતુ હેડલીની પૂછપરછ અંગેની જાણકારી સિટને આપવામાં આવી ન હતી.

You might also like