ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગૃહ મંત્રાલય તપાસ કરશે

નવી દિલ્હી: પૂર્વ ગૃહસચિવ જી.કે. પિલ્લાઇના આક્ષેપ બાદ ગૃહ મંત્રાલય વિવાદાસ્પદ ઇશરત જહાં કેસમાં સંબંધિત ફાઇલોની તપાસ કરશે. આ તપાસમાં એ ચકાસવામાં આવશે કે પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે એફિડેવિટને બદલી હતી કે નહીં. એફિડેવિટમાં ઇશરત જહાં અને તેના સાગરીતોને શરૂઆતમાં લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદી બતાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને આ કેસમાં ફસાયેલા પોલીસ અધિકારીઓ સામેથી ક્રિમિનલ કેસ હટાવવાની માગણી છે.

પિલ્લાઇએ એવો દાવો કર્યો હતો કે યુપીએ સરકાર દરમિયાન ગૃહપ્રધાન રહેલા કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે ઓરિજિનલ એફિડેવિટના એક મહિના બાદ આ ફાઇલ મંગાવી હતી. સમાચારોમાં તેમને ટાંકીને એવું જણાવાયું હતું કે પ્રધાનના આદેશ મુજબ એફિડેવિટમાં સુધારો કર્યા બાદ મારી પાસે મોકલવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ ગૃહસચિવ પિલ્લાઇના નિવેદન બાદ ઇશરત જહાંની ફાઇલમાં તપાસ કરવી જરૂરી બન્યું છે.

ઇશરત કેસમાં બીજી એફિડેવિટ સંપૂર્ણપણે યોગ્યઃ ચિદમ્બરમ્
ભાજપના આક્રમણની પરવા કર્યા વગર પૂર્વ ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં બીજી અેફિડેવિટને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે આ અેફિડેવિટ સંપૂર્ણપણે યોગ્ય અને સાચી છે અને પ્રધાન તરીકે હું તેની જવાબદારી સ્વીકારું છું. કોંગ્રેસ વડામથક ખાતે અેફિડેવિટ પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે પ્રથમ અેફિડેવિટ અસ્પષ્ટ હતી અને એટલા માટે બીજી અેફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. અેફિડેવિટ મારી મંજૂરી વગર તૈયાર કરવામાં આવી હતી એટલે તેમાં સુધારો કરવો મારી ફરજ હતી અને હવે તેની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે.

You might also like